Parveen Babi Death Anniversay: 70 અને 80ના દાયકાના હિન્દી સિનેમામાં જ્યારે હેમા માલિની અને રેખા જેવી અભિનેત્રીઓનો દબદબો હતો, ત્યારે એક એવી અભિનેત્રીનું આગમન થયું જેણે બોલ્ડનેસ અને ગ્લેમરની વ્યાખ્યા જ બદલી નાખી. એ નામ હતું-પરવીન બાબી. પરંતુ જેટલી ઝડપથી તેને સફળતા મળી, તેટલો જ દર્દનાક તેનો અંત રહ્યો.
નવાબોના ખાનદાનથી બોલિવૂડ સુધીની સફર
પરવીન બાબીનો જન્મ 4 એપ્રિલ, 1954ના રોજ ગુજરાતના જૂનાગઢમાં એક નવાબી પરિવારમાં થયો હતો. પિતાના નિધન બાદ તે અમદાવાદ ભણવા આવી. પરવીન નાનપણથી જ ખૂબ જ મોર્ડન અને આત્મવિશ્વાસથી ભરપૂર હતી.
તેનું નસીબ ત્યારે ચમક્યું જ્યારે અમદાવાદમાં એક શૂટિંગ દરમિયાન ફિલ્મમેકર બી.આર. ઈશારાની નજર તેના પર પડી. પરવીન ત્યાં બિન્દાસ રીતે સિગરેટ પી રહી હતી અને તેની આ જ સ્ટાઈલ જોઈને તેને ફિલ્મ 'ચરિત્ર'(1973) ઓફર થઈ. જોકે, આ ફિલ્મ ફ્લોપ રહી, પણ પરવીનનો બોલ્ડ લુક ચર્ચામાં આવી ગયો.
અમિતાભ સાથે હિટ જોડી અને ટાઈમ મેગેઝીનનો ઈતિહાસ
1974માં આવેલી ફિલ્મ 'મજબૂર'થી પરવીન બાબીનું કરિયર પાટા પર ચડ્યું. અમિતાભ બચ્ચન સાથે તેની જોડી સુપરહિટ સાબિત થઈ. 'દીવાર', 'અમર અકબર એન્થોની' અને 'નમક હલાલ' જેવી ફિલ્મોએ તેને ટોચની અભિનેત્રી બનાવી દીધી.
પરવીન બાબીની લોકપ્રિયતા એટલી હતી કે 1976માં તે 'ટાઈમ મેગેઝીન'ના કવર પેજ પર સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય અભિનેત્રી બની હતી. તે સમયે તે ઈન્ડસ્ટ્રીના સૌથી વધુ ફી લેતી સ્ટાર હતી.
અધૂરો પ્રેમ અને વિવાદિત અંગત જીવન
પરવીનનું નામ તે સમયના પ્રખ્યાત કલાકારો ડૈની અને કબીર બેદી સાથે જોડાયું, પરંતુ બંને સાથે તેનો સંબંધ લાંબો ન ચાલ્યો. ત્યારબાદ તેના જીવનમાં મહેશ ભટ્ટ આવ્યા. મહેશ ભટ્ટ પરિણીત હોવા છતાં પરવીનના પ્રેમમાં પાગલ હતા, પરંતુ આ સંબંધમાં જ પરવીનની માનસિક બીમારીના લક્ષણો દેખાવા લાગ્યા.
એક કિસ્સો એવો પણ છે કે જ્યારે મહેશ ભટ્ટ તેમને છોડીને જઈ રહ્યા હતા, ત્યારે પરવીન કપડાં વગર જ તેમની પાછળ રસ્તા પર દોડી હતી.
આ પણ વાંચો: અંગત જીવનમાં ઉથલપાથલ પછી પલાશ મુચ્છલની ફિલ્મમાં વાપસી
ભયાનક બીમારી અને એકલતા
પરવીન બાબી 'પેરાનોઈડ સિઝોફ્રેનિયા' નામની માનસિક બીમારીનો શિકાર બની હતી. તેને સતત એવો ડર લાગતો હતો કે કોઈ તેને મારી નાખશે. તેણે અમિતાભ બચ્ચન અને સંજય દત્ત જેવા કલાકારો પર પણ તેને મારી નાખવાના ગંભીર આરોપો લગાવ્યા હતા. ધીરે ધીરે લોકોએ તેની સાથે કામ કરવાનું બંધ કરી દીધું અને તે સાવ એકલી પડી ગઇ.
72 કલાક સુધી કોઈને જાણ ન થઈ: અત્યંત કરુણ અંત
20 જાન્યુઆરી, 2005ના રોજ દુનિયાને પરવીન બાબીના મોતના સમાચાર મળ્યા. મુંબઈના જુહુ સ્થિત ફ્લેટમાં તે એકલી રહેતી હતી. જ્યારે બે દિવસ સુધી તેના ઘરની બહાર દૂધના પેકેટ અને છાપું પડ્યું રહ્યું, ત્યારે પાડોશીઓએ પોલીસને જાણ કરી.
જ્યારે પોલીસે દરવાજો તોડ્યો ત્યારે અંદરનો નજારો ભયાનક હતો
પરવીનનો મૃતદેહ બેડ પર પડ્યો હતો અને ઘર વેરવિખેર હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ, તેનું મૃત્યુ 72 કલાક પહેલા જ થઈ ગયું હતું. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે તેના પેટમાં અન્નનો એક દાણો પણ નહોતો. તે છેલ્લા દિવસોમાં ભૂખથી તરફડી રહી હોવાની શક્યતા હતી. અંતે, કોઈ નજીકના સંબંધી ન હોવાથી મુંબઈમાં જ મુસ્લિમ રીત-રિવાજ મુજબ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.


