- શ્રેયસ તલપડે અભિનિત ફિલ્મના દિગ્દર્શન સાથે
મુંબઈ : સંગીતકાર અને ફિલ્મસર્જક પલાશ મુચ્છલ તાજેતરના અઠવાડિયાઓમાં સાર્વજનિક જીવનમાં ખાસ સક્રિય ન રહ્યા પછી હવે તેની વ્યાવસાયિક સફર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. તે પોતાના આગામી દિગ્દર્શન પ્રોજેક્ટ પર કામ શરૂ કરીને સિનેમામાં પોતાની સ્પષ્ટ વાપસી કરી રહ્યો છે.
નામકરણ ન કરાયેલી આગામી ફિલ્મમાં શ્રેયસ તલપડે મુખ્ય ભૂમિકા ભજવશે અને ટૂંક સમયમાં તેનું શૂટીંગ શરૂ થવાની સંભાવના છે. મુંબઈની પૃષ્ઠભૂમિમાં રચાયેલ પ્રોજેક્ટ મુચ્છલના દિગ્દર્શક તરીકેનો વિકાસ દર્શાવે છે. વાર્તા અને બાકીની કાસ્ટ હજી જાહેર નથી કરાઈ પણ ફિલ્મ વાસ્તવિક કથાનક પર આધારીત હોવાનું કહેવાય છે જેમાં તલપડે એક સામાન્ય માનવીની ભૂમિકા ભજવશે. ફિલ્મ આલોચક અને વિશ્લેષક તરણ આદર્શે આ બાબતની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પુષ્ટી કરી હતી. જાહેરાત મુજબ મુચ્છલ ફિલ્મનું દિગ્દર્શન કરશે તેમજ પ્રોજેક્ટના વ્યાપ, થીમ અને અન્ય યોજના વિશે આગામી દિવસોમાં જાહેરાત કરાશે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ મન્ધાના સાથે સગાઈ તૂટી ગયા પછી મુચ્છલની આ પ્રથમ વ્યાવસાયિક જવાબદારી છે.
પાંચ વર્ષના ડેટિંગ પછી કપલે ગયા વર્ષે ૨૩ નવેમ્બરના રોજ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પણ લગ્નના આગલા જ દિવસે કથિત અફવાઓ અને ત્યાર પછી લગ્ન મોકૂફ રહ્યાની જાહેરાત પછી બંને પરિવારોએ લગ્ન રદ થયાની પુષ્ટી કરી હતી.


