પરેશ રાવલે ‘હેરા ફેરી 3’ છોડી, ડાયરેક્ટર સાથે મતભેદો મુદ્દે પણ કરી સ્પષ્ટતા
Hera Pheri 3 : તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે પરેશ રાવલ Hera Pheri 3 માં કામ નહીં કરે. હવે તેઓ અક્ષય કુમાર અને પ્રિયદર્શનની ફિલ્મમાં જોવા મળશે નહીં. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, ક્રિયેટિવ મતભેદોને કારણે પરેશ રાવલે છેલ્લી ઘડીએ ફિલ્મ છોડી દીધી. પરંતુ હવે પરેશ રાવલે ફિલ્મ છોડવાનું કારણ જણાવ્યું છે.
આ પણ વાંચો: મિથુન ચક્રવર્તી પર ગેરકાયદે બાંધકામનો આરોપ, BMCએ ફટકારી નોટિસ: જાણો સમગ્ર મામલો
'મારો નિર્ણય ક્રિએટિવ મતભેદોને કારણે નથી'
પરેશ રાવલે 18 મેના રોજ સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, તેઓ ક્રિએટિવ મતભેદોને કારણે ફિલ્મ છોડી રહ્યા નથી. પરેશે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, 'હું એ વાત રેકોર્ડ કરવા માંગુ કે 'હેરા ફેરી 3' છોડી દેવાનો મારો નિર્ણય ક્રિએટિવ મતભેદોને કારણે નહોતો. હું ફરી એકવાર કહીશ કે ફિલ્મના નિર્માતાઓ સાથે મારા કોઈ ક્રિએટિવ મતભેદ નહોતા. મને ફિલ્મના દિગ્દર્શક પ્રિયદર્શન અને ફિલ્મના નિર્માતાઓ પ્રત્યે પ્રેમ, આદર અને વિશ્વાસ છે.'
ત્રીજા ભાગમાં તેની ગેરહાજરી મોટી અસર ઉભી કરશે
ઉલ્લેખનીય છે કે, પરેશ રાવલે ક્રિયેટિવ મતભેદોને કારણે ફિલ્મ નથી છોડી રહ્યા. પરંતુ 'હેરા ફેરી 3' છોડવા પાછળના કારણ અંગે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. પરેશ રાવલ 'હેરા ફેરી' ફ્રેન્ચાઇઝમાં બાબુરાવનું આઇકોનિક પાત્ર ભજવી રહ્યા છે. પરંતુ હવે ત્રીજા ભાગમાં તેની ગેરહાજરી મોટી અસર ઉભી કરી શકે છે. કારણ કે 'હેરા ફેરી'ની પાછલી બંને ફિલ્મોમાં રાજુ, શ્યામ અને બાબુરાવના પાત્રો ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યા હતા.
ટીઝર શૂટ થઈ ગયું છે: સુનીલ શેટ્ટી
થોડાક દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે 'IPL 2025 ખતમ થવા પહેલા હેરી ફેરી 3' નું એનાઉન્સમેન્ટ ટીઝર લોન્ચ કરવામાં આવશે. સુનીલ શેટ્ટીએ પણ તેમના એક ઇન્ટરવ્યુમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, 'ટીઝર શૂટ થઈ ગયું છે.' રિપોર્ટ તો એવા હતા કે, ફિલ્મનો પહેલો સીન શૂટ થઈ ગયો છે. પરંતુ હવે પરેશ રાવલ આ પ્રોજેક્ટ છોડી રહ્યા હોવાથી નિર્માતાઓએ બધું નવેસરથી શરૂ કરવું પડશે. કાં તો તેમણે તેમની જગ્યાએ બાબુ ભૈયા તરીકે કોઈ બીજા અભિનેતાને લેવો જોઈએ અથવા તેમની સ્ક્રિપ્ટમાં ફેરફાર કરવો જોઈએ.