મિથુન ચક્રવર્તી પર ગેરકાયદે બાંધકામનો આરોપ, BMCએ ફટકારી નોટિસ: જાણો સમગ્ર મામલો
Image Twitter |
Mithun chakraborty malad property controversy : અભિનેતા અને રાજકારણી મિથુન ચક્રવર્તીને તાજેતરમાં BMC (બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા એક લીગલ નોટિસ ફટકારવામાં આવી છે. મિથુન ચક્રવર્તીએ મલાડમાં એક પ્લોટમાં ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાના આરોપ બદલ આ નોટીસ આપવામાં આવી છે. નોટિસમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જો મિલકત માલિક તરફથી સંતોષકારક જવાબ આપવામાં નહીં આવે તો ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જોકે, મિથુને આ અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા છે.
પરવાનગી વગર ખાલી પ્લોટ પર બાંધકામ કરવાનો આરોપ
મહાનગરપાલિકાએ ગત 10 મેના રોજ ગેરકાયદેસર બાંધકામ કરેલું હોય તેવી 101 મિલકતોની યાદી તૈયાર કરી છે. જેમાં મલાડના એરંગલ ગામમાં હીરા દેવી મંદિર પાસેના પ્લોટનો સમાવેશ થાય છે, જેના માલિક મિથુન ચક્રવર્તી છે. બીએમસીનો આરોપ છે કે, પરવાનગી વગર આ જગ્યાએ ગ્રાઉન્ડ પ્લસ મેઝેનાઇન ફ્લોરવાળા બે સ્ટ્રક્ચર, એક ગ્રાઉન્ડ ફ્લોર સ્ટ્રક્ચર અને 10 બાય 10 ના ત્રણ કામચલાઉ યુનિટ બનાવવામાં આવ્યા છે. આ યુનિટમાં ઈંટો, લાકડાના પાટિયા, કાચની દિવાલો અને એસી શીટની છતનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ગેરકાયદેસર છે.
આ અંગે બીએમસી દ્વારા જારી કરાયેલી કાનૂની નોટિસ પ્રમાણે જો મિલકત માલિક તરફથી સંતોષકારક જવાબ નહીં મળે, તો તેમની સામે કલમ 475A હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવશે.
અમે કોઈ ગેરકાયદેસર બાંધકામ કર્યું નથી: મિથુન ચક્રવર્તી
સરકાર દ્વારા કાનૂની નોટિસ મોકલવામાં આવી હોવાના સમાચારો વચ્ચે મિથુન ચક્રવર્તીએ મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું, ‘ મેં કોઈ ગેરકાયદેસર બાંધકામ કર્યું નથી અને મારી પાસે કોઈ અનધિકૃત માળખું નથી. હાલમાં ઘણા લોકોને નોટિસ મોકલવામાં આવી છે અને અમે અમારો જવાબ મોકલ્યો છે.