Online Betting Probe : ઓનલાઈન સટ્ટો રમાડતી એપ મામલે આજે EDએ બોલિવૂડ અભિનેત્રી અને મોડલ નેહા શર્માની પૂછપરછ કરી છે. અગાઉ આ જ કેસમાં શિખર ધવન અને સુરેશ રૈના સહિતના ક્રિકેટર્સની પણ પૂછપરછ કરવામાં આવી હતી. આટલું જ નહીં આ મામલે સોનુ સૂદ સહિત અનેક હસ્તીઓના નામ સામે આવ્યા હતા.
નેહા શર્માની પૂછપરછ કેમ કરાઈ?
નોંધનીય છે કે મંગળવારે ઓનલાઈન બેટિંગ એપ 1Xબેટ મામલે નેહા શર્મા ED સામે હાજર થઈ હતી. PMLA એક્ટની જોગવાઈ અનુસાર અભિનેત્રીનું નિવેદન નોંધવામાં આવ્યું. મીડિયા અહેવાલો અનુસાર નેહા શર્મા આ એપની જાહેરાત સાથે જોડાયેલી હતી. જેના કારણે સમગ્ર કેસમાં તેનું નામ સામે આવ્યું હતું. અધિકારીઓએ આ મામલે નેહાનું નિવેદન નોંધ્યું છે જે બાદ તપાસ કરાશે કે આ એપના પ્રચારમાં તેની કોઈ ભૂમિકા હતી કે નહીં?
અત્યાર સુધી અનેક હસ્તીઓની પૂછપરછ
નોંધનીય છે કે આ મામલે અગાઉ શિખર ધવન, સુરેશ રૈનાની પણ પૂછરપછ કરવામાં આવી હતી. EDએ કહ્યું છે કે આ એપ કોઈ પણ મંજૂરી વિના ભારતમાં કામ કરી હતી અને ઓનલાઈન માધ્યમથી તેની જાહેરાતો આપવામાં આવતી હતી. આ સિવાય યુવરાજ સિંહ, રોબિન ઉથપ્પા, અભિનેતા સોનુ સૂદ, અભિનેત્રી ઉર્વશી રૌતેલા, TMCના પૂર્વ સાંસદ મિમી ચક્રવર્તી અને બંગાળી અભિનેતા અંકુશ હાજરાની પૂછપરછ કરવામાં આવી હતી.


