Get The App

જાણીતા સિંગરનું 34 વર્ષની વયે નિધન થતાં ફેન્સ સ્તબ્ધ! માએ કહ્યું- તબિયત ખરાબ હોવા છતાં પરફોર્મ કરવા મજબૂર કરાયો હતો

Updated: Nov 18th, 2025

GS TEAM

Google News
Google News
જાણીતા સિંગરનું 34 વર્ષની વયે નિધન થતાં ફેન્સ સ્તબ્ધ! માએ કહ્યું- તબિયત ખરાબ હોવા છતાં પરફોર્મ કરવા મજબૂર કરાયો હતો 1 - image


Image Source: Twitter

Humane Sagar Passes Away at 34: છેલ્લા ઘણા સમયથી જીવન-મરણ સામે ઝઝૂમી રહેલા ઓડિયા સિંગર હ્યૂમન સાગરનું નિધન થઈ ગયું છે. સોમવારે સાંજે 34 વર્ષની વયે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમના નિધનથી ઓડિયા ફિલ્મ અને મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફેલાઈ ગઈ. જેનો અવાજ લાખો લોકોના દિલને સ્પર્શતો હતો તે હવે હંમેશા માટે ખામોશ થઈ ગયો છે.  

માત્ર 34 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું

ડોક્ટરોના મતે હ્યૂમન સાગરનું મૃત્યુ મલ્ટી-ઓર્ગન ડિસફંક્શન સિન્ડ્રોમને કારણે થયું છે. તેમની ખરાબ તબિયતના કારણે તેમની છેલ્લા ત્રણ દિવસથી AIIMS ભુવનેશ્વરમાં સારવાર ચાલી રહી હતી. 14 નવેમ્બરના રોજ બપોરે લગભગ 1:10 વાગ્યે હ્યુમન સાગરને ગંભીર હાલતમાં AIIMS ભુવનેશ્વર લાવવામાં આવ્યા હતા. ડોક્ટરોએ તેમને તાત્કાલિક મેડિકલ ICUમાં શિફ્ટ કરીને ચેકઅપ કર્યું. પ્રાપ્ત માહિતી પ્રમાણે તેમના શરીરના ઘણા મહત્વપૂર્ણ અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. ડોક્ટરોએ જણાવ્યું હતું કે તેઓ એક્યુટ-ઓન-ક્રોનિક લિવર ફેલ્યોર, બાયલેટર ન્યુમોનિયા અને ડાયલેટેડ કાર્ડિયોમાયોપથી જેવી ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા હતા. તેમની હાલત ઝડપથી ખરાબ થતી ગઈ અને સોમવારે સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધા. આ દુ:ખદ સમાચારથી સમગ્ર રાજ્યમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

બે દિવસ પહેલા જ ICUમાં એડમિટ કરવામાં આવ્યો હતો

બે દિવસ પહેલા જ્યારે તેમની તબિયત ખૂબ જ ખરાબ થઈ અને તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે જ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર તેમના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી. તેમણે લખ્યું કે આખું રાજ્ય તેમના માટે પ્રાર્થના કરી રહ્યું છે અને આશા છે કે તેઓ ઝડપથી સ્વસ્થ થઈને પોતાના પરિવાર અને સંગીતની દુનિયામાં પાછા ફરશે. પરંતુ ભાગ્યને કંઈક બીજું જ મંજૂર હતું. 

સિંગરની માતાએ મેનેજર પર લગાવ્યા આરોપ

સિંગરના નિધન બાદ તેમની માતા શેફાલીએ હ્યૂમનના મેનેજર અને ઈવેન્ટના આયોજકો પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, 'હ્યૂમનની તબિયત ખરાબ હોવા છતાં તેને સ્ટેજ પર પરફોર્મ કરવા માટે મજબૂર કરાયો હતો. હ્યુમનની તબિયત સારી નહોતી પરંતુ તેમ છતાં તેને પરફોર્મ કરવા માટે કહેવામાં આવ્યું.'

આ પણ વાંચો: જાપાન અને ચીન વચ્ચે તણાવ વધ્યો! તાઈવાન મુદ્દે જાપાનીઝ PMના નિવેદન બાદ બંને દેશો સામસામે

ઓડિયા સંગીતને નવી ઓળખ આપી

હ્યુમન સાગરની લોકપ્રિયતા માત્ર તેમના ગીતો સુધી જ મર્યાદિત નહોતી - તેઓ લોકોની લાગણીઓનો અવાજ હતા. તેમણે ફિલ્મ 'ઈશ્ક તૂ હી તૂ' ના ટાઈટલ ટ્રેકથી શરૂઆત કરી હતી, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું. ત્યારબાદ તેમણે ઓડિયા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તો સેંકડો ગીતો ગાયા, પરંતુ આ સાથે જ મેરા યે જહાં જેવા આલ્બમથી હિન્દીમાં પણ પોતાની છાપ છોડી. તેમના નિશ્વાસા, બેખુદી, તુમા ઓથા તાલે અને ચેહરા જેવા ઘણા આલ્બમ સુપરહિટ થયા. ઓડિશાના લગભગ દરેક ઘરમાં તેમનો અવાજ ગુંજતો હતો અને હવે તેમના નિધનથી ચાહકો સ્તબ્ધ છે. 

Tags :