જાણીતી અભિનેત્રી ઓપરેશન સિંદૂર અંગે ભાવુક થઈ, કહ્યું - કાશ્મીરમાં મારા પિતા પણ શહીદ થયા હતા
India-Pakistan Tension: બોલિવૂડ કલાકારોએ પહલગામ આતંકી હુમલા પછી ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરને સમર્થન આપ્યું છે, જેમાં પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન બોલિવૂડ અભિનેત્રી નિમરત કૌરે પણ ભારતીય સેનાની કાર્યવાહી અને ભારત સરકારના નિર્ણયની પ્રશંસા કરી છે. નિમરત કૌર એક શહીદની પુત્રી છે. તેમના પિતા મેજર ભૂપેન્દ્ર સિંહને બહાદુરી માટે શૌર્ય ચક્રથી નવાજવામાં આવ્યા હતા. તેમણે એક ઈન્ટરવ્યુમાં ભારતીય સેનાની કાર્યવાહી પર પ્રતિક્રિયા આપી છે.
નિમરત કૌરની દેશવાસીઓને અપીલ
બોલિવૂડ અભિનેત્રી નિમરત કૌરે જણાવ્યું હતું કે, 'પહલગામમાં શું બન્યું તે આપણે બધા જાણીએ છીએ. ખૂબ જ દુઃખ થયું. હું એક શહીદની દીકરી છું. વર્ષ 1994માં કાશ્મીરમાં મારા પિતા પણ શહીદ થયા હતા. હું સારી રીતે સમજું છું કે જીવન તમારી સામે કેવી ખરાબ પરિસ્થિતિઓ લાવે છે. આ ખૂબ જ દુઃખદ અને પીડાદાયક બાબત છે. અમે જોયું કે ભારતીય સેનાએ આતંકીઓના ઠેકાણાઓ પર હુમલો કર્યો છે, હું તેનું સમર્થન કરું છું.'
અભિનેત્રી આગળ કહ્યું કે, 'હું આ વાત સાથે સંપૂર્ણપણે સહમત છું, ફક્ત આ દેશમાં જ નહીં પણ આ દુનિયામાં આતંકવાદ માટે કોઈ સ્થાન હોવું જોઈએ નહીં. હું ઈચ્છું છું કે આપણે બધા અને આપણી સેના ભારત સરકારની સાથે ઊભા રહીએ. આપણો એક જ ઉદ્દેશ્ય છે, આતંકી ઘટનાઓ હવે બંધ થવી જોઈએ.'
આ પણ વાંચો: ભારતના એક્શન બાદ પાકિસ્તાનના ISI પ્રમુખે અજિત ડોભાલને કર્યો કોલ, જાણો શું વાતચીત થઇ?
ઉલ્લેખનીય છે કે, પહલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો હતો. અહેવાલો અનુસાર, 25 મિનિટના ઓપરેશનમાં 24 મિસાઇલોનો ઉપયોગ કરીને પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી કેમ્પોનો નાશ કરવામાં આવ્યો હતો. ભારત દ્વારા લેવામાં આવેલા આ પગલા અંગે ભારતના લોકોમાં સંતોષ છે. આ ઉપરાંત ઘણાં બોલિવૂડ કલાકારોએ પણ ઓપરેશન સિંદૂરને ટેકો આપ્યો છે.