ન્યૂલી વેડ નયનતારા અને વિગ્નેશ પગરખાં સાથે તિરૂપતિ મંદિરમાં પહોંચી ગયાં, લીગલ નોટિસ ફટકારાતાં માફી માગી


મુંબઈ, તા. 12 જૂન 2022, રવિવાર

 સાઉથ ફિલ્મ ઈંડસ્ટ્રીનું સૌથી પોપ્યુલર કપલ બની ચુકેલાં નયનતારા અને વિગ્નેશ સિવાન લગ્નજીવનની શરૂઆતમાં જ એક મોટા વિવાદમાં ફસાઈ ગયાં છે. લગ્ન બાદ તરત જ તિરૂપતિ બાલાજી ખાતે આશીર્વાદ માટે પહોંચેલું યુગલ પગરખાં પહેરીને જ મંદિર પરિસરમાં પ્રવેશ્યું હતું અને ફોટોશૂટ કરાવ્યું હતું, આ મુદ્દે તેમણે માફી માગવી પડી છે. 

સોશિયલ મીડિયા પર કેટલાય વીડિયો વાયરલ થયા હતા જેમાં નયનતારાએ પગરખાં પહેરી રાખ્યાનું જણાયું હતું. દક્ષિણ ભારતના લોકોએ આ મુદ્દે ભારે રોષ ઠાલવ્યો હતો. ઈશ્વરના દરબારમાં પણ વીવીઆઈપીઓને પગરખાં પહેરીને જવાની છૂટ તો ના જ મળવી જોઈએ એમ તેમણે જણાવ્યું હતું. 

તિરૂપતિ મંદિરનાં સંચાલક મંડળે  આ બાબતની ગંભીર નોંધ લીધી હતી અને નયનતારા તતા વિગ્નેશને નોટિસ ફટકારી હતી. મંદિર સંચાલકોના જણાવ્યા અનુસાર મંદિર સંકુલમાં કોઇને એટલે કે કોઈનેય  પણ પગરખાં પહેરીને અંદર આવવાની છૂટ નથી. મંદિર સંકુલની અંદરના ભાગે ફોટોશૂટની પણ મંજૂરી નથી. આ  યુગલે આ બંને નિયમોનો ભંગ કર્યો હતો. મંદિરના વિજિલન્સ ઓફિસર દ્વારા તુરત જ આ બાબતની નોંધ લઈ કાર્યવાહી કરવામાં આવી હતી. 


નોટિસ મળ્યા બાદ નયનતારા અને વિગ્નેશ તરફથી એક જાહેર માફી પ્રગટ કરવામાં આવી હતી. તેમાં જણાવાયું હતું કે મહાબલિપુરમમા ં લગ્ન બાદ અમે ઘરે પણ પહોંચ્યા વિના આશીર્વાદ માટે સીધા તિરૂપતિ પહોંચ્યાં હતાં. ત્યાં અમારે  સ્તવનમાં ભાગ લેવાનો હતો. અમે ઉતાવળે પહોંચ્યા અને ત્યાં ફેન્સની એટલી બધી ભીડ અમને ઘેરી વળી કે ભાગદોડમાં પગરખાં કાઢવાનું ભુલાઈ ગયું હતું. એ બદલે અમે માફી માગીએ છીએ. 

તેમણે જણાવ્યું હતું કે વાસ્તવમાં ભગવાન તિરૂપતિમાં તેમને ઊંડી આસ્થા છે. તેઓ છેલ્લા મહિનામાં પાંચ વખત અહીં દર્શને આવ્યાં છે. વાસ્તવમાં તેઓ આ મંદિરમાં જ લગ્ન કરવાં ઈચ્છતાં હતાં પરંતુ કોઈ કારણોસર તે શક્ય બન્યું ન હતું.

City News

Sports

RECENT NEWS