નીતૂ કપૂરે ભાવુક કેપ્શન લખી ઋષિ કપૂરની તસવીર શેર કરી
- પોસ્ટ પર કમેન્ટ કરી લોકો તેમને આશ્વાસન આપી રહ્યા છે
મુંબઇ, તા. 02 મે 2020, શનિવાર
ગુરુવારે ઋષિ કપૂરનું મુંબઇમાં અવસાન થયું. તેમના અવસાનથી દેશભરમાં શોક છવાય ગયો છે. તેમના પરિવારથી લઇને તેમના ફેન્સ સુધી દરેક વ્યક્તિ પોતાની રીતે તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ઋષિ કપૂરના નિધનના બે દિવસ પછી તેમના પત્ની નીતૂ કપૂરે એક તસવીર શેર કરી છે અને ભાવુક કરી દે તેવું કેપ્સન લખ્યું છે.
આ તસવીરમાં ઋષિ કપૂર ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. આ તસવીર શેર કરતા નીતૂ કપૂરે ભાવુક થઇને લખ્યુ છે આપણી સ્ટોરીનો અંત. નીતૂ કપૂરની આ પોસ્ટ પર લોકો તેમને આશ્વાસન આપી રહ્યા છે, અને તેમના લોકપ્રિય અભિનેતાને યાદ પણ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ઋષિ કપૂર અને નીતૂ સિંહને ફિલ્મ ઝહરીલા ઇન્સાનના સેટ પર પ્રેમ થયો અને લગભગ 40 વર્ષ પહેલા બંનેએ લગ્ન કર્યા હતા. બંનેએ એકબીજા સાથે કેટલીક ફિલ્મ પણ કરી. પછીથી નીતૂ કપૂરે પોતાનું ફિલ્મી કરિયર છોડી દીધું.
ઋષિ કપૂરના છેલ્લા કેટલાક સમયથી કેન્સરની સારવાર લઇ રહ્યા હતા. 67 વર્ષની ઉંમરમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. અમિતાભ બચ્ચનથી લઇને શાહરૂખ ખાન અને સલમાન ખાન, ઋતિક રોશને ચિન્ટૂ અંકલના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 1973માં રીલિઝ થયેલી 'બોબી' તેમની પ્રથમ ફિલ્મ હતી જેમાં તેમણે મુખ્ય પાત્રની ભૂમિકા નિભાવી હતી જે એક ખૂબ જ હિટ ફિલ્મ હતી.