Get The App

'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ.એ આમંત્રણ રદ કરતાં નસીરુદ્દીનનું દર્દ છલકાયું

Updated: Feb 6th, 2026

GS TEAM

Google News
Google News
naseeruddin-shah


Naseeruddin Shah: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહે તાજેતરમાં મુંબઈ યુનિવર્સિટી વહીવટીતંત્ર સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે દાવો કર્યો છે કે યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં તેમને અતિથિ તરીકે આમંત્રણ અપાયા બાદ છેલ્લી ઘડીએ તેમનું આમંત્રણ રદ કરવામાં આવ્યું હતું. તેમણે એવો આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, 'હું સત્તાધારીઓનો ટીકાકાર રહ્યો છું એટલે યુનિવર્સિટીએ મને આપેલું આમંત્રણ પાછું ખેંચ્યું છે. આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો છું. જ્યાં મને પ્રેમ કરતાં શીખવાડવામાં આવ્યું હતું.'

શું છે સમગ્ર મામલો?

નસીરુદ્દીન શાહે એક લેખમાં જણાવ્યું હતું કે, મુંબઈ યુનિવર્સિટીના ઉર્દૂ વિભાગ દ્વારા 1 ફેબ્રુઆરીએ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેઓ આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવા માટે ખૂબ ઉત્સુક હતા. પરંતુ 31 જાન્યુઆરીની રાત્રે તેમને ફોન આવ્યો અને કહેવામાં આવ્યું કે તેમણે કાર્યક્રમમાં આવવાની જરૂર નથી.

યુનિવર્સિટીએ 'જૂઠ' ફેલાવ્યું હોવાનો દાવો

અભિનેતાએ આરોપ લગાવ્યો છે કે યુનિવર્સિટીએ માત્ર તેમને આવવાની ના જ પાડી એવું નથી, પરંતુ ત્યાં હાજર પ્રેક્ષકોને એવું જણાવ્યું કે નસીરુદ્દીન શાહે પોતે જ આવવાની મનાઈ કરી દીધી છે. તેમણે આ બાબતને અત્યંત અપમાનજનક ગણાવી છે.

આમંત્રણ રદ કેમ કર્યું?

નસીરુદ્દીન શાહના જણાવ્યા અનુસાર, યુનિવર્સિટીના એક વરિષ્ઠ અધિકારીએ કથિત રીતે એવું કહ્યું હતું કે, 'નસીરુદ્દીન શાહ દેશ વિરુદ્ધ ખુલ્લેઆમ નિવેદનો આપે છે, તેથી તેમને બોલાવવા જોઈએ નહીં.' આ વાત પર વળતો પ્રહાર કરતા અભિનેતાએ કહ્યું કે, 'હું તેમને પડકાર આપું છું કે મારું એવું એક પણ નિવેદન બતાવો જેમાં મેં દેશની નિંદા કરી હોય. હું સત્તાધારી પક્ષની નીતિઓની ટીકા કરું છું, દેશની નહીં.'

ટ્રાયલ વગરની અટકાયત

નસીરુદ્દીન શાહે તાજેતરમાં દેશની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા કેટલાક પાયાના મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો છે. તેમણે ખાસ કરીને ન્યાયિક પ્રણાલીમાં જોવા મળતા વિરોધાભાસનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આજે અનેક વિદ્યાર્થી કાર્યકરોને કોઈપણ પ્રકારના ટ્રાયલ વગર લાંબા સમય સુધી જેલમાં રાખવામાં આવે છે, જ્યારે બીજી તરફ ગંભીર ગુનાઓ આચરનાર વ્યક્તિઓ સરળતાથી જામીન મેળવી લે છે. 

આ પણ વાંચો: 'મૈ હું ના'નો બીજો ભાગ આવશે, શાહરૂખ ડબલ રોલમાં હશે

આ ઉપરાંત, અભિનેતાએ શૈક્ષણિક ક્ષેત્રે થઈ રહેલા ફેરફારો અંગે પણ નારાજગી વ્યક્ત કરી છે, તેમના મતે પાઠ્યપુસ્તકોમાં સુધારાના નામે ઇતિહાસ સાથે છેડછાડ કરીને તેને ફરીથી લખવાના સભાન પ્રયાસો થઈ રહ્યા છે. સૌથી ચિંતાજનક બાબત તરીકે તેમણે સમાજમાં ફેલાઈ રહેલા નફરતના વાતાવરણનો ઉલ્લેખ કર્યો છે. તેમણે અફસોસ વ્યક્ત કર્યો કે આજે લોકો પરની દેખરેખ વધી ગઈ છે અને નફરતનું ઝેર 24 કલાક વાતાવરણમાં પ્રસરેલું જોવા મળે છે, જે લોકશાહીના સ્વાસ્થ્ય માટે જોખમી છે.

'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ.એ આમંત્રણ રદ કરતાં નસીરુદ્દીનનું દર્દ છલકાયું 2 - image