કાલાકાંડીમાં મારો રોલ ગેંગસ્ટરનો છે
-અભિનેતા દીપક ડોબરિયાલ કહે છે
-ઇન્સ્ટન્ટ મની ઇચ્છતો ગેંગસ્ટર બન્યો છું

મુંબઇ તા.૧૧
પરફેક્ટ કોમિક ટાઇમિંગ માટે પંકાયેલા અભિનેતા દીપક ડોબરિયાલે કહ્યું હતું કે આગામી ફિલ્મ કાલાકાંડીમાં મારો રોલ એક ગેંગસ્ટરનો છે.
'ઇન્સ્ટન્ટ પૈસા ઇચ્છતા એક લોભી ગેંગસ્ટર તરીકે હું આ ફિલ્મમાં રજૂ થઇ રહ્યો છું. મને આ રોલ પડકાર રૃપ લાગ્યો હતો એટલે સ્વીકાર્યો હતો. અભિનેતા વિજય રાજ સાથે આ ગેંગસ્ટર જે પ્લાન કરીને આગળ વધે છે એ આ ફિલ્મની સ્ટોરીનો મુખ્ય હિસ્સો છે. હું દિલ્હીમાં હતો ત્યારથી વિજયભાઇને પિછાણું છું... કુંદન શાહે બનાવેલી એક એડ ફિલ્મમાં અમે સાથે ચમક્યા હતા અને ત્યારબાદ દિલ્હી સિક્સ ફિલ્મમાં પણ સાથે કામ કર્યું હતું...અમને પરસ્પર એકબીજા માટે ખૂબ પ્રેમ અને માન છે...કાલાકાંડીમાં અમારા બંને વચ્ચેની કેમિસ્ટ્રી ઓડિયન્સ માણી શકશે... તમે માનશો, અમે એક પણ સીનનું આગોતરું રિહર્સલ કે પ્રેક્ટિસ કર્યા નહોતા... સ્વયંસ્ફૂર્ત શૂટ કર્યું હતું...' એમ દીપકે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું.
અન્ય એક સવાલના જવાબમાં એણે કહ્યું હતું કે સૈફ અલી ખાન સાથે મારા કોઇ સીન આ ફિલ્મમાં નથી. જો કે એમની સાથે ઓમકારા ફિલ્મમાં કામ કરવામાં મને મોજ પડી હતી. એમની સાથે એક ડાન્સ વિડિયો કરવામાં પણ મને ખૂબ આનંદ આવ્યો હતો.

