મહારાષ્ટ્ર સરકારે શૂટિંગની પરવાનગી આપતાં તાપસી પન્નુ રાજીની રેડ
- અભિનેત્રી સેટ પર જવાથી પહેલા રોગપ્રતિકાર શક્તિ વધારવાના પક્ષમાં
મુંબઈ, તા.01 જુલાઈ 2020, બુધવાર
મહારાષ્ટ્ર સરકારે શૂટિંગ કરવા માટે મંજૂરી આપતાં અભિનેત્રી તાપસી પન્ના રાજી રાજી થઈ ગઈ છે. તે કહે છે કે ભલે કામના સ્થળે સરકાર તરફથી આપેલી માર્ગદર્શિકાનું કડક પાલન કરવું પડશે, પરંતુ દરેક જણ કામ કરવા માગે છે અને તેમને કામ કરવા મળી રહ્યું છે તે મહત્ત્વનું છે.
અભિનેત્રી વધુમાં કહે છે કે આપણે એમ વિચારીને કામ કરવાની ના ન પાડી શકીએ કે હવે અગાઉની જેમ પૂરતી સગવડો સાથે કે મોજથી કામ કરવા નથી મળવાનું અથવા કામ કરતી વખતે ઘણી અડચણો અને મર્યાદાઓ આવવાની છે. હવે સરકારે જારી કરેલી માર્ગદર્શિકાની મર્યાદામાં રહીને જ કામ કરવું પડશે.
જોકે તે તરત જ કહે છે કે કોરોનાના કેસ વધી રહ્યાં છે તેથી પુષ્કળ કાળજી લેવી પડશે. આમ છતાં કામ કરવા મળી રહ્યું છે એજ અગત્યનું છે. હવે નિર્માતાઓ શૂટિંગ કરવા માટેની પરવાનગી લેશે. ત્યારબાદ લોકેશન મુજબ તેમને ચોક્કસ મર્યાદાઓ પાળવી પડશે. આ સઘળી પ્રક્રિયા સમય માગી લેશે. પરંતુ થોડા સમયમાં કામ શરૂ કરી શકાશે.
જોકે અભિનેત્રી સેટ પર જવાથી પહેલાં પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવાના પક્ષમાં છે. તે કહે છે કે આપણે એ નથી જાણતા હોતા કે આપણી આસપાસના લોકોની સ્થિતિ શું છે. પરંતુ આપણે સોશ્યલ ડિસ્ટંસિંગનું પાલન કરવા સાથે પોતાની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવીને આ મહામારીથી બચી શકીએ.