આ અભિનેતાએ મહાભારતમાં શકુની મામાના પાત્રને લંગડાતુ બતાવવાનો આઈડિયા આપેલો
અમદાવાદ, તા. 18 એપ્રિલ 2020, શનિવાર
બીઆર ચોપરા દ્વારા નિર્દેશિત ઐતિહાસિક ટીવી શ્રેણી મહાભારતમાં ગૂફી પૈંટલે શકુની મામાનો રોલ ભજવ્યો હતો અને કરોડો લોકોએ તેમના કામની પ્રશંસા કરી હતી. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે શકુનીના પાત્રને લંગડાતુ દર્શાવવાનો વિચાર મેકર્સનો નહીં પણ ગૂફી પૈંટલનો પોતાનો હતો. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમના પાત્રને લઈ પડકાર અંગેના સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, 'તેઓ માનતા હતા કે, જો પોતે આ કામમાં સફળ નહીં થાય તો જિંદગીમાં આગળ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.'
શૂટિંગ દરમિયાન તેમણે મેકર્સને અનેક પ્રકારના સૂચનો કર્યા હતા તથા બીઆર ચોપડા અને રાહી માસુમ રઝાને શકુનીનું પાત્ર લંગડાતુ બતાવવા કહ્યું હતું. તેનું કારણ આપતા તેમણે જણાવ્યું કે, તેઓ જ્યારે નાના હતા ત્યારે નૈનીતાલના પહાડી ગામમાં તેમણે પોતાના દાદાને સારા અને ખરાબ લોકો વચ્ચે શું ફરક હોય તેવો સવાલ કર્યો હતો. તેના જવાબમાં દાદાએ સારા લોકો આપણને આકર્ષિત કરે છે અને ખરાબ લોકોની નજીક જવું આપણને નથી ગમતું તેમ કહ્યું હતું. આ ઉપરાંત દાદાએ બંનેમાં કોઈ શારીરિક ભેદ હોય તેવા સવાલના જવાબમાં ભગવાન તેમને નાની ગરદન, એક જ આંખ કે પગ, ત્વચાના રંગમાં ફેર એવી ખામીઓ આપે છે તેમ કહ્યું હતું.
માત્ર 11 વર્ષની ઉંમરે થયેલી આ વાતના આધારે તેમણે પોતાના પાત્રને ભલે તે પોતાની બહેનનો બદલો લઈ રહ્યું હોય પરંતુ લોકોને ખબર પડે કે તે નકારાત્મક પાત્ર છે તે માટે લંગડુ બતાવવાનો વિચાર આપ્યો હતો જેને માન્ય રાખવામાં આવ્યો હતો. ગૂફીના કહેવા પ્રમાણે તેઓ પોતાના આ વિચારને આજે પણ પાછો લેવા તૈયાર છે કારણ કે, તેઓ માને છે કે દિવ્યાંગ અને નબળા લોકો પૈકી અનેકે મિસાલરૂપ કામ કરેલું છે.