Entertainment

મધુબાલાની બાયોપિક બજેટના વાંકે રખડી પડી

By GS TEAM
22 Jun 20251 min read
મધુબાલાની બાયોપિક બજેટના વાંકે રખડી પડી

- મધુબાલાની જિંદગી જેમ બાયોપિકની  પણ ટ્રેજેડી 

- ખર્ચા સામે વળતરની અપેક્ષા નહિ હોવાથી નિર્માણ કંપનીઓએ હાથ પાછા ખેંચી લીધા

મુંબઈ: વિતેલા જમાનાની ટોચની હિરોઈન મધુબાલાની બાયોપિક રખડી પડી છે. આ ફિલ્મની સંભવિત પ્રોડક્શન કોસ્ટ બહુ ઊંચી આવે તેમ છે જ્યારે તેની સામે ફિલ્મ ટિકિટબારી પર કેટલીક ચાલે તે અંગે શંકાકુશંકાઓ હોવાથી આખરે ફિલ્મ નિર્માણ કંપનીઓએ હાથ પાછા ખેંચી લીધા છે. 

'ડાર્લિંગ' ફિલ્મથી જાણીતાં  દિગ્દર્શક જસમીત કે રીનને આ ફિલ્મનાં દિગ્દર્શનની બાગડોર સોંપાઈ હતી. ફિલ્મની સ્ક્રિપ્ટ લખાઈ  ચૂકી છે. 

જોકે, આ ફિલ્મ બનાવવા માટે ૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકાનું બોલીવૂડ રુપેરી પડદે સજીવન કરવું પડે તેમ છે. તે માટે કોશ્ચ્યુમ અને પ્રોપર્ટી તથા વીએફએક્સ પાછળ પુષ્કળ ખર્ચો થાય તેમ છે. નિર્માતાઓના અંદાજ અનુસાર ૧૦૦ કરોડનું બજેટ પણ ફિલ્મ માટે ઓછું પડી શકે તેમ છે. તેની સામે ફિલ્મ એટલું વળતર કાઢી આપે કે કેેમ તે એક સવાલ છે. 

હવે ફિલ્મની ટીમ બાંધછોડ કરીને નાના પાયે પણ આ ફિલ્મ બનાવી શકાય કે કેમ  તેવા વિકલ્પો  તપાસી રહી છે. 

મધુબાલા સર્વકાલીન  સૌથી સુંદર ભારતીય હિરોઈનોમાંની એક ગણાતી  હતી. 

તેણે તેના જમાનાના તમામ ટોચના સ્ટાર્સ સાથે કામ કર્યું હતું. જોકે, તેની અંગત જિંદગી બહુ ટ્રેજિક હતી. ફક્ત ૩૬ વર્ષની વયે તેનું ગંભીર  બીમારીના કારણે  અવસાન  થયું હતું.