ખતરો કે ખિલાડી 13: રોહિત શેટ્ટીના આ શો માં કોણ કોણ મળશે જોવા?
નવી દિલ્હી,તા. 2 માર્ચ 2023, ગુરુવાર
બોલિવૂડના ફેમસ ડાયરેક્ટર રોહિત શેટ્ટી તેની ફિલ્મો તેમજ તેના સ્ટંટ આધારિત શો 'ખતરો કે ખિલાડી' માટે જાણીતા છે. રોહિત શેટ્ટી 'ખતરો કે ખિલાડી 13' લઈને આવી રહ્યો છે. જેનો ખુલાસો તેણે બિગ બોસ 16ના ફિનાલેમાં કર્યો હતો. આ સાથે શાલીન ભનોટને પણ આ શો માટે પસંદ કરવામાં આવ્યો હતો. જો કે, તેણે તેના ડરને કારણે તેનો ભાગ બનવાનો ઇનકાર કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, કંગના રનૌતના શો લોકઅપના વિજેતા મુનાવર ફારૂકનો સંપર્ક કરવામાં આવ્યો છે. ગત સિઝન માટે પણ તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તે તેનો હિસ્સો બની શક્યો નહીં.
બિગ બોસનું ઘર છોડ્યા પછી, અર્ચના ગૌતમનું નામ પણ આ શો માટે આવી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે અર્ચના પણ રોહિત શેટ્ટીના શોમાં ભાગ લેવા જઈ રહી છે. બિગ બોસ 16માં પોતાની છાપ છોડનાર પ્રિયંકા ચહર ચૌધરીએ પણ આ શોનો ભાગ બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આવી સ્થિતિમાં, અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, તે પણ રોહિત શેટ્ટીના શોનો ભાગ બની શકે છે. આ બંને સિવાય બિગ બોસ 16ના રનર અપ શિવ ઠાકરેના નામ પર મહોર લાગી ગઈ છે.
શિવે પોતે ખુલાસો કર્યો છે કે, તે ખતરોં કે ખિલાડી 13નો ભાગ બનશે. જેના કારણે તેના ચાહકો ખુશ છે. જો કે બિગ બોસ સીઝન 16ના કેટલાક અન્ય સ્પર્ધકોના નામ પણ સામે આવી રહ્યા છે, જેમાં સૌંદર્યા શર્મા અને અંકિત ગુપ્તાનું નામ સામેલ છે. આ ઉપરાંત દિશા પરમાર નકુલ મહેતાનું નામ પણ સામે આવી રહ્યું છે. જો કે હજુ આ નામો પર મહોર મારવામાં આવી નથી.
આ શોનું શૂટિંગ મેના મધ્યમાં થશે. જે 55 થી 60 દિવસ સુધી કરવામાં આવશે. ગયા વર્ષે 'ખતરો કે ખિલાડી' 2 જુલાઈ, 2022 ના રોજ શરૂ થઈ હતી, આવી સ્થિતિમાં, માનવામાં આવે છે કે આ વખતે પણ આ શો જુલાઈમાં જ શરૂ થશે.