જાણીતી અભિનેત્રી પર પતિએ છરાથી કર્યો હુમલો, દીવાલમાં માથું પછાડ્યું; પડોશીએ જીવ બચાવ્યો
Manjula Shruthi Stabbed By Her Husband: કન્નડ અભિનેત્રી મંજુલા શ્રુતિના પતિ અમરેશે એક્ટ્રેસ પર છરીથી જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. શ્રુતિ તેના ઘરે એકલી હતી, ત્યારે તેના પતિએ હુમલો કર્યો હતો. સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શું હતી સમગ્ર ઘટના?
કન્નડ અભિનેત્રી મંજુલા શ્રુતિએ 20 વર્ષ પહેલા અમરેશ નામના શખ્સ સાથે લગ્ન કર્યા હતા. રિપોર્ટ મુજબ, છોકરાઓ જ્યારે કોલેજ ગયા હતા, ત્યારે શ્રુતિ પર કથિત રીતે તેના પતિએ હુમલો કર્યો હતો. જેમાં અમરેશે પહેલા પત્ની પર મિર્ચ સ્પ્રે માર્યો અને પછી પત્નીની પાંસળીઓ, જાંઘ અને ગળાના ભાગે અનેક વખત છરીનો વાર કર્યો હતો.
સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે, 'પતિ-પત્નીના ઝઘડા દરમિયાન પડોશીઓ ત્યાં આવીને ઝઘડો રોકાવ્યો હતો અને ઈજાગ્રસ્ત એક્ટર્સને સારવાર અર્થે વિક્ટોરિયા હોસ્પિટલ લઈ ગયા હતા. આ મામલે બેંગલુરુના હનુમાનનગર પોલીસે હત્યાના પ્રયાસનો કેસ નોંધીને આરોપી અમરેશની ધરપકડ કરી હતી.'
પ્રેમ લગ્ન પછી પણ ઝઘડા થતા હતા
પશ્ચિમ વિભાગના ડીસીપી જણાવ્યું હતું કે, 'કેટલીક ટેલિવિઝન સિરિયલોમાં કામ કરી ચૂકેલી મંજુલા ઉર્ફે શ્રુતિને અમરેશ સાથે પ્રેમ થતાં તેને લગ્ન કર્યા હતા. અમરેશ એક ઓટો ડ્રાઈવર છે. બંનેના લગ્ન 20 વર્ષ પહેલા થયા હતા. આ દંપતીને બે બાળકો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે લગ્ન જીવનમાં અણબનાવને કારણે તેમની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. ત્રણ મહિના પહેલા મંજુલાએ તેના પતિ પર દહેજ અને ઉત્પીડનનો આરોપ લગાવતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે ગુરુવારે જ સમાધાન પછી દંપતી ફરીથી સાથે રહેવા લાગ્યા હતા.'
મંજુલા શ્રુતિ કોણ છે?
મંજુલા શ્રુતિ એક પ્રખ્યાત કન્નડ ટીવી અભિનેત્રી છે. જેનું સાચું નામ મંજુલા સી છે. આ અભિનેત્રી લોકપ્રિય કન્નડ સીરીયલ 'અમૃતધારે' માં તેની ભૂમિકા માટે જાણીતી થઈ હતી. શ્રુતિ ઘણા ટેલિવિઝન શૉ હોસ્ટ કરવા માટે પણ ખૂબ લોકપ્રિય છે.