રાજકારણથી કંટાળી કંગના રણૌત? કહ્યું- 'મને એમ હતું કે થોડા દિવસ જ કામ કરવાનું અને પછી...'
Kangana Ranaut Tired of Politics: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રણૌત હાલમાં પોતાના રાજકીય અનુભવ અંગે નવા નવા ખુલાસા કરી રહી છે. તાજેતરમાં તેણે એક નવો ખુલાસો કરતા કહ્યું કે, તેને રાજકારણમાં મજા નથી આવી રહી. અભિનેત્રીમાંથી રાજકારણી બનેલા કંગનાએ કહ્યું કે, 'મેં ક્યારેય વિચાર્યું નહોતું, કે સાંસદ બનવું આટલું મુશ્કેલ કામ હશે. સાંસદ તરીકે કામ વિશે મારો પહેલો અભિપ્રાય એ હતો કે, મારા અન્ય કાર્ય પ્રતિબદ્ધતા સાથે સંભાળી લઈશ. સ્વાભાવિક રીતે મને આશા નહોતી કે આ કામ આટલું મુશ્કેલ હશે.'
સાંસદ બનીને હેરાન થઈ ગઈ છે કંગના
સાંસદ કંગનાએ તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો કે, સાંસદ બન્યા પહેલા મને શું કહેવામાં આવ્યું હતું. કંગનાએ કહ્યું કે, જ્યારે મને આ ઓફર મળી હતી, ત્યારે મને કહેવામાં આવ્યું હતું કે, કદાચ તમારે 60-70 દિવસ માટે સંસદમાં હાજર રહેવું પડશે, અને બાકીના સમયમાં તમે તમારું કામ કરી શકશો, જે મને યોગ્ય લાગ્યું હતું, પરંતુ આ તો મુશ્કેલ કામ છે.
ઉલ્લેખનીય છે કે, કંગના રણૌત હિમાચલ પ્રદેશના મંડી બેઠક પર ભાજપની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયા હતા.
રાજકારણથી કંટાળી કંગના રણૌત
તમને જણાવી દઈએ કે, આ પહેલા કંગનાએ સ્વીકાર્યું હતું કે, તેને રાજકારણ પસંદ નથી. ઓલ ઇન્ડિયા રેડિયોના 'આત્મનિર્ભર ઈન રવિ' પોડકાસ્ટમાં રણૌતે સાંસદ બન્યા પછી તેના પડકારો પર વાત કરી હતી. આ દરમિયાન અભિનેત્રીમાંથી રાજકારણી બનેલા કંગનાએ સ્વીકાર્યું હતું કે, 'રાજકારણમાં તેને બિલકુલ મજા નથી આવી રહી.'
તેણે કહ્યું કે, 'હવે મને તેનો ખ્યાલ આવી રહ્યો છે કે, એટલે હું એવું નહીં કહું કે,મને રાજકારણમાં મજા આવી રહી છે. આ બિલકુલ અલગ પ્રકારનું કામ છે. સમાજ સેવા જેવું. મારુ આ બેકગ્રાઉન્ડ નથી રહ્યું. મેં ક્યારેય લોકોની સેવા કરવાનું વિચાર્યું ન હતું.'