Entertainment

'રામાયણમાં કૈકેયી વિલન નહોતી, એણે દીકરાના પ્રેમમાં...' અભિનેત્રી લારા દત્તાનું નિવેદન ચર્ચામાં

By GS Team
18 Nov 20263 mins read
TukuTouch Logo
નિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ'માં કૈકેયીનું પાત્ર ભજવનાર લારા દત્તાએ તેમને વિલન માનવાનો ઇનકાર કર્યો છે. લારાના મતે, કૈકેયી માતાના પ્રેમ અને રાજકીય વચનો વચ્ચે ફસાઈ હતી. તેમણે જણાવ્યું કે કૈકેયીનો જન્મ એક ખાસ ઉદ્દેશ્ય માટે થયો હતો, જેથી ભગવાન રામ રાવણનો વધ કરીને પૃથ્વી પર શાંતિ સ્થાપી શકે. જો કૈકેયીએ નિર્ણય ન લીધો હોત, તો રામાયણની રચના જ ન થઈ હોત.

Summarized by AI; it may make mistakes. Check important info

'રામાયણમાં કૈકેયી વિલન નહોતી, એણે દીકરાના પ્રેમમાં...' અભિનેત્રી લારા દત્તાનું નિવેદન ચર્ચામાં

Lara Dutta Refuses To Call Kaikeyi A Villain: નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી મેગા-બજેટ ફિલ્મ 'રામાયણ' બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે અને દર્શકો ફિલ્મના દરેક પાત્રને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મમાં અભિનેત્રી લારા દત્તાએ રાણી કૈકેયીનું મહત્ત્વપૂર્ણ પાત્ર ભજવ્યું છે. સામાન્ય રીતે કૈકેયીને નકારાત્મક પાત્ર માનવામાં આવે છે, કારણ કે તેમના કારણે જ ભગવાન રામને વનવાસ જવું પડ્યું હતું. જોકે, લારા દત્તાએ કૈકેયીને 'વિલન' માનવાનો સ્પષ્ટ ઇનકાર કરતાં આ પાત્ર પાછળનો ઊંડો દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે.

'માતાના પ્રેમ અને રાજકીય વચનો વચ્ચે ફસાઈ ગઈ હતી કૈકેયી'

એક તાજેતરના ઇન્ટરવ્યુમાં લારા દત્તાએ પોતાના પાત્રનો બચાવ કરતાં જણાવ્યું કે કૈકેયીનું પાત્ર સામાન્ય માન્યતા કરતાં ઘણું વધુ જટિલ છે. લારાએ યાદ અપાવ્યું કે યુદ્ધ દરમિયાન કૈકેયીએ રાજા દશરથના પ્રાણ બચાવ્યા હતા, જેના બદલામાં દશરથે તેમને 2 વરદાન આપ્યા હતા. આ ઉપરાંત, કૈકેયીના પિતા નહોતા ઈચ્છતા કે તેમની પુત્રી કોઈ રાજાની ત્રીજી પત્ની બને, તેથી દશરથે વચન આપ્યું હતું કે કૈકેયીનો પુત્ર જ અયોધ્યાનો રાજા બનશે. લારાના મતે, અયોધ્યા જેવા વિશાળ સામ્રાજ્યમાં ચાલતા દરબારી ષડયંત્રો અને રાજકારણ વચ્ચે જો કૈકેયીએ પોતાના પુત્ર ભરતના હક માટે અવાજ ન ઉઠાવ્યો હોત, તો તે બધું જ ગુમાવી બેસત જે જન્મ સમયે તેને મળવાનું નક્કી થયું હતું.

"તે પોતાના પુત્ર પ્રત્યેના પ્રેમ અને એક માતાની ફરજ વચ્ચે ફસાઈ ગઈ હતી. આ પાત્ર ભજવવું ઘણું જટિલ હતું. કૈકેયીને હંમેશાં વિલન માનવામાં આવે છે, પરંતુ એક કથા મુજબ તેમનો જન્મ જ એક ખાસ ઉદ્દેશ્ય માટે થયો હતો, જેથી ભગવાન રામ રાવણનો વધ કરવાની ભવિષ્યવાણી પૂરી કરી શકે અને પૃથ્વી પર શાંતિ સ્થાપી શકે."

'જો રામ અયોધ્યાના રાજા બની ગયા હોત તો રામાયણ ક્યારેય સર્જાઈ ન હોત'

લારા દત્તાએ કૈકેયીના નિર્ણયનું મહત્ત્વ સમજાવતાં એક અત્યંત રસપ્રદ તર્ક રજૂ કર્યો:

  • લારાએ કહ્યું કે, "જો રામ અયોધ્યાના રાજા બની ગયા હોત, તો તેઓ અન્ય કોઈ પણ સામાન્ય રાજાની જેમ શાસન કરત અને બસ એટલો જ તેમનો ઇતિહાસ હોત."
  • કૈકેયીના નિર્ણયને કારણે જ તેઓ વનમાં ગયા, ત્યારબાદ રાવણે સીતાનું હરણ કર્યું અને ભગવાન રામે રાવણનો વધ કર્યો. જો કૈકેયીએ તે નિર્ણય ન લીધો હોત, તો આજે આપણે જે 'રામાયણ'ને જાણીએ છીએ તે ક્યારેય અસ્તિત્વમાં જ ન આવી હોત.

'રામાયણ' ફિલ્મની સ્ટારકાસ્ટ અને રિલીઝ અપડેટ

નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત અને નમિત મલ્હોત્રા દ્વારા નિર્મિત આ ફિલ્મમાં રણબીર કપૂર (રામ), સાઈ પલ્લવી (સીતા), યશ (રાવણ), રવિ દુબે (લક્ષ્મણ) અને સની દેઓલ (હનુમાન) જેવા દિગ્ગજ કલાકારો જોવા મળી રહ્યા છે. ફિલ્મમાં રકુલ પ્રીત સિંહ, અરુણ ગોવિલ, વિવેક ઓબેરોય, કુણાલ કપૂર અને રાઘવ જુયાલ પણ મહત્ત્વની ભૂમિકામાં છે, જ્યારે તેનું સંગીત ઓસ્કર વિજેતા હંસ ઝિમર અને એ.આર. રહેમાને આપ્યું છે. ફિલ્મનો પ્રથમ ભાગ ચાલુ વર્ષે દિવાળી પર રિલીઝ થયો છે અને હવે તેનો બીજો ભાગ દિવાળી 2028માં સિનેમાઘરોમાં રિલીઝ થશે.