Get The App

ગોવિંદાથી નારાજ થઈ કાદર ખાન અપશબ્દો બોલવા લાગ્યા અને પછી... જાણો શું થયું હતું?

Updated: Mar 12th, 2025

GS TEAM

Google News
Google News
ગોવિંદાથી નારાજ થઈ કાદર ખાન અપશબ્દો બોલવા લાગ્યા અને પછી... જાણો શું થયું હતું? 1 - image


Image: Facebook

Govinda Shared an Incident With Kader Khan: બોલિવૂડમાં 90નો દાયકો ખૂબ ખાસ રહ્યો. આ તે સમય હતો જ્યારે હિન્દી સિનેમા ખૂબ ઝઝૂમી રહ્યું હતું કેમ કે 80ના દાયકામાં એટલી ખાસ ફિલ્મો રિલીઝ થઈ શકી નહોતી. જ્યારે 90ના દાયકામાં બોલિવૂડે એન્ટ્રી મારી, ત્યારે બધું જ બદલાઈ ગયું. એક બાદ એક સુપરહિટ ફિલ્મોનો સિલસિલો શરૂ થવા લાગ્યો. તે સમયનું આજે પણ માનવામાં આવે છે કે માત્ર એક એક્ટર ગોવિંદાનો સિક્કો ચાલતો હતો. તેની અને લેજેન્ડરી રાઈટર-એક્ટર કાદર ખાનની જોડી સુપરહિટ રહેતી હતી.

જ્યારે કાદર ખાન અને ગોવિંદાનો થયો હતો ઝઘડો

ગોવિંદા અને કાદર ખાને એકસાથે ઘણી ફિલ્મો કરી છે. લગભગ દરેક ડેવિડ ધવનની ફિલ્મમાં આપણને તેમની જોડી જોવા મળતી હતી. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન સુપરસ્ટાર ગોવિંદાએ કાદર ખાન સાથેનો એક મજેદાર કિસ્સો સંભળાવ્યો. તેણે જણાવ્યું કે 'એક્ટર મારાથી ખૂબ ગુસ્સે થઈ ગયા હતા પરંતુ એક ઘટના બાદ તેમણે મારા હાથે કિસ કરી અને મને ગળે લગાવી લીધો.'

ગોવિંદાએ જણાવ્યું, 'હું એક વખત ફિલ્મના સેટ પર સવારે 7 વાગે આવી ગયો હતો. હું બેઠો છું, રાહ જોઈ રહ્યો છું અને 12.10 મિનિટ પર મારો શોટ છે. તો પછી મે જમવાનું ઓર્ડર કર્યું કે ભોજન લઈને આવો. મને પૂછવામાં આવ્યું કે શું થયું. મે કહ્યું ભૂખ લાગી છે, જમી લઈશું. કાદર ખાનજી આવ્યા, મને કહ્યું કે આ ટાઈમ છે જમવાનો? મે કહ્યું હા આ જ ટાઈમ છે. આવો તમે પણ મારી સાથે જમી લો. તેમણે કહ્યું, ના ચલો શોટ આપી દઈએ. મે કહ્યું, ના સર થોડી રાહ જોવો હું સવારથી આવ્યો છું. આ લોકોએ મારો શોટ ના લીધો. હવે હું જમી લઈશ, મને ભૂખ લાગી રહી છે. તમે પણ આવો. તેમણે કહ્યું, સારું હું કહી રહ્યો છું ને કે તું શોટ આપી દે, મે કહ્યું, અરે સર હું કહી રહ્યો છું થોડો સમજો.'

આ પણ વાંચો: બોલિવૂડમાં મારું કરિયર ખતમ કરવા લોકોએ ષડ્યંત્ર કર્યા હતા, ગોવિંદાનો સનસનીખેજ દાવો

ગોવિંદાએ રાહ જોવડાવી, કાદર ખાન રોષે ભરાયા

ગોવિંદાએ કહ્યું, 'કાદરજી કહે છે કે યાર તારું આજકાલ બહું સાંભળ્યું છે કે તું લોકોને ખૂબ સમજાવી રહ્યો છે. ડરે છે શું? પાણીથી ડર લાગે છે તને? મે તેમને કહ્યું કે સર મને ભગવાન સિવાય કોઈનાથી ડર લાગતો નથી. પછી ફરીથી કહેવા લાગ્યા કે ચાલ શોટ આપીએ. મે કહ્યું ના સર થોડી રાહ જોવો પછી જઈએ. મારો વિચાર એ હતો કે થોડો સમય પસાર થઈ જાય પછી હું શોટ આપી દઈશ. તો તે જતાં રહ્યાં. ખૂબ અપશબ્દો કહ્યાં મને, આમ તો ક્યારેય કહેતાં નહોતાં મને ખૂબ પ્રેમ કરતાં હતાં. હું આજે જે પણ છું તેમની જ કૃપાથી છું.'

ગોવિંદા જણાવે છે કે મારો શોટ એક નાવમાં હતો. કાદર ખાન તે નાવમાં બેસીને શોટ આપવા નીકળી ગયા પરંતુ તેમની સાથે એક દુર્ઘટના ઘટી. હવે તે જિદ કરીને ગયા. કદાચ 20 ફૂટ જ ગયા હશે અને જે નાવમાં જઈ રહ્યાં હતાં તે ડૂબી ગઈ. બંને નાવ ડૂબી ગઈ, કેમેરા અને કાદર ખાન સાહેબ પણ ડૂબી ગયા. બધાં લોકો મળી ગયા હતા પરંતુ તે મળી રહ્યા નહોતા. થોડા સમય બાદ તે બહાર નીકળ્યા. કોઈની સાથે વાત ન કરી. પછી મને કહે છે કે તારો હાથ આપ, મારા હાથને કિસ કરવા લાગ્યા અને પછી કહે છે કે તારી અંદર દમ છે. તો મે કહ્યું કે આ વાત સાંભળવા માટે મારે કેટલા અપશબ્દો સાંભળવા પડ્યા.'

Tags :