Get The App

જાવેદ અખ્તરે લાઉડ સ્પીકર પર અઝાન બંધ કરવાનું કહીને છંછેડ્યો વિવાદનો મધપૂડો

ઈસ્લામના તમામ જાણકારો જેમણે 50 વર્ષ સુધી લાઉડ સ્પીકરને હરામ ઠેરવેલું તે ખોટા હતા તેવો સવાલ

Updated: May 10th, 2020

GS TEAM

Google News
Google News
જાવેદ અખ્તરે લાઉડ સ્પીકર પર અઝાન બંધ કરવાનું કહીને છંછેડ્યો વિવાદનો મધપૂડો 1 - image


નવી દિલ્હી, તા. 10 મે 2020, રવિવાર

દિગ્ગજ સ્ક્રિપ્ટ રાઈટર અને લિરિસ્ટ જાવેદ અખ્તર શનિવારે કરેલી એક ટ્વિટને લઈ વિવાદમાં ઘેરાઈ ગયા છે. તેમણે પોતાની ટ્વિટમાં લખ્યું હતું કે, "ભારતમાં આશરે 50 વર્ષ સુધી લાઉડ સ્પીકર પર અઝાન હરામ હતી. ત્યાર બાદ તે હલાલ (અનુસરવા યોગ્ય) થઈ ગઈ અને એટલી હદે હલાલ થઈ કે તેની કોઈ સીમા જ ન રહી. અઝાન કરવી સારી વાત છે પરંતુ લાઉડ સ્પીકર પર કરવાથી તે બીજા લોકો માટે મુશ્કેલીરૂપ બની જાય છે. હું આશા રાખું કે, કમસે કમ આ વખતે તેઓ જાતે જ કરશે."

જાવેદ અખ્તરની આ ટ્વિટ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી ટ્રોલ થવા લાગી હતી. એક વ્યક્તિએ કોમેન્ટમાં લખ્યું હતું કે, "લાઉડ સ્પીકર્સ પર ફક્ત અઝાન બેન કરવાની વાત કરીને તમારે તમારૂં સેક્યુલરિઝમ સાબિત કરવાની જરૂર નથી. બેન કરવું જ હોય તો લાઉડ સ્પીકર્સને જ સંપૂર્ણપણે બેન કરી દો. પછી તે ગણેશ ચતુર્થી પર હોય કે અઝાન પર, રવિવારની સમૂહ પ્રાર્થના કે અન્ય કોઈ પણ ધાર્મિક અવસર માટે. આપણે વીઆઈપી લગ્નોમાં થતા ઘોંઘાટને પણ ભૂલવો ન જોઈએ."

અન્ય એક વ્યક્તિએ લખ્યું હતું કે, "તમારા નિવેદનથી અસહમત છું. મહેરબાની કરીને ઈસ્લામ અને તેના વિશ્વાસ સાથે સંકળાયેલા મુદ્દે નિવેદન ન આપશો. તમે જાણો જ છો કે, અમે ઉંચા અવાજે ગીતો નથી વગાડતા અને કોઈ ખરાબ કામ પણ નથી કરતા. અઝાન પ્રાર્થના માટે અને સાચા રસ્તે ચાલવા માટેનો એક સુંદર બોલાવો છે." તેના જવાબમાં જાવેદ અખ્તરે લખ્યું કે, "તો તમે એમ કહેવા માંગો છો કે, ઈસ્લામના તમામ જાણકારો જેમણે 50 વર્ષ સુધી લાઉડ સ્પીકરને હરામ ઠેરવ્યું હતું તેઓ ખોટા હતા. તેઓ શું કરે છે તેનું તેમને ભાન નહોતું? જો તમારામાં હિંમત હોય તો ફરી એક વખત કહો પછી હું તમને તે જાણકારોના નામ પણ આપીશ." 

જાવેદ અખ્તરના નિવેદન બાદ રમઝાન માસમાં જ સોશિયલ મીડિયામાં એક વિવાદ શરૂ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ સોનુ નિગમે પણ લાઉડ સ્પીકર પર અઝાન મામલે નિવેદન આપીને વિવાદ સર્જ્યો હતો. 

Tags :