(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 26 એપ્રિલ 2020, રવિવાર
બોલીવૂડ અભિનેતા ઇરફાન ખાનની માતા સઇદા બેગમનું જયપુરમાં ૯૫ વરસની વયે નિધન થયું છે. તે લાંબા સમયથી બીમાર હતી અને શનિવારે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. ઇરફાન ખાન માતાની અંતિમ ક્રિયામાં લોકડાઉનના કારણે પહોંચી શક્યો નથી. જોકે અભિનેતા હાલ ભારતમાં છે કે વિદેશમાં સારવાર લઇ રહ્યો છે તે વિશે કોઇ સ્પષ્ટતા નથી.
કહેવાય છે કે, ઇરફાનના મોટા ભાઇએ માતાની અંતિમ ક્રિયાની વિધી પૂરી કરી છે. તેમના પરિવારજનોએ જણાવ્યું હતું કે ઇરફાનની માતા લાંબા સમયથી બીમાર હતી.
ઇરફાનના ખાસ મિત્ર દીપક ડોબિયારે જણાવ્યું હતું કે, મેં ઇરફાનની માતાના અવસાનના સમાચાર જાણ્યા અને દુઃખ થયું છે. મેં ઇરફાન સાથે છેલ્લા પાંચ મહિનાથી વાત કરી નથી.
જ્યારે સૂજિત સિરકારે કહ્યું હતું કે, હું નથી જાણતો કે ઇરફાન ક્યાં છે. મેં તેની સાથે લાંબા સમયથી વાત કરી નથી.
ઇરફાન કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાઇ રહ્યો છે. તેથી તે વારંવાર વિદેશ સારવાર માટે જતો હોય છે, તેણે ફિલ્મોના શૂટિંગથી લાંબા સમય માટે બ્રેક લીધો છે. તેથી હાલ તે ભારતમાં છે કે વિદેશમાં સારવાર લઇ રહ્યો છે તેની કોઇ સ્પષ્ટ માહિતી નથી.


