હૃતિક રોશને સિને એન્ડ ટેલિવિઝન આર્ટિસ્ટ એસોસિયેશનને રૂપિયા 25 લાખનું ડોનેશન આપ્યું
- જેમાંથી 4000 દૈનિક વેતનધારી આર્ટિસ્ટોને સહાય કરવામાં આવશે
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 16 એપ્રિલ 2020, ગુરુવાર
હૃતિક રોશન અંગત જીવનમાં પણ હીરો છે. તે કોવિડ ૧૯ના જંગ સામે વિવિધ રીતે આર્થિક સહાય કરી રહ્યો છે. છેલ્લી જાણકારી મુંજબ અભિનેતાએ સિને એન્ડ ટેલિવિઝન આર્ટિસ્ટ એસોસિયેશનને રૂપિયા ૨૫ લાખનું ડોોનેશન આપ્યું છે. જેમાંથી ૪૦૦૦ દૈનિક વેતનધારી આર્ટિસ્ટોને જરૂરિયાત મુજબ સહાય આપવામાં આવશે.
સિનટાના જોઇન્ટ સેક્રેટરી અને ચેરપર્સન અમિત બહલે આ સમાચારને સમર્થન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે, થોડા દિવસો પહેલા હૃતિકે અમારી પાસેથી એસોસિયેશનના એકાઉન્ટસની માહિતી માગી હતી અને એ પછી તેણે અમારી સિસ્ટર કન્સલ્ટ સિને આર્ટિસ્ટ વેલફેર ટ્રેસ્ટમાં જમા કર્યા હતા. અમે દૈનિક વેતન રળનારા આર્ટિસ્ટોની જરૂરિયાતોની એક યાદી બનાવી છે. જેમની જીવનઆવશ્યક ચીજ-વસ્તુઓ અને રૂપિયાની સૌથી વધુ જરૂર છે, તેવા લોકોને પ્રાથમિકતા આપવામાં આવી છે.
સિન્ટાના જનરલ સેક્રેટરી સુશાંત સિંહે જણાવ્યું હતું કે, મેં અને હૃતિકે ફિલ્મ લક્ષ્યમાં સાથે કામ કર્યું હતું તે એક સારો એકટર હોવાની સાથેસાથે એક સારો વ્યક્તિ પણ છે. તેના દ્વારાની સહાય માટે હું તેનો આભાર માનું છું.
સુશાંતે વધુમાં કહ્યું હતું કે, ખભ્ભે ખભ્ભા મેલવીને કામ કરવાથી સહુના કદમ પણ સાથે ઉપડે છે. હું મારા મિત્ર હૃતિકે કટોકટીના પળમાં કરેલી આર્થિક સહાય માટે આભાર માનું છું.
હૃતિકે આ પહેલા રૂપિયા ૨૦ લાખની સહાય બીએમસીના કર્મચારીઓના માસ્ક માટે આપી છે. આ ઉપરાંત તેણે ૧ લાખ ૨૦ હજાર લોકોને પોષણયુક્ત ફુડ પેકેટ માટે પણ સહાય કરી છે. તે કોવિડ૧૯નીજાગરૂકતા માટે સોશિયલ મીડિયા પર વીડિયો પણ મુકી રહ્યો છે. એટલું જ નહીં તે ફિલ્મ તસવીરકારો માટે પણ ગુપચુપ રીતે સહાય કરી છે.