ગુપ્તની સિલ્વર જ્યુબિલીમાં મનિષા કોઈરાલાની ગેરહાજરીની વધુ ચર્ચા

Updated: Jul 11th, 2022


- ઉજવણીમાં બોબી દેઓલ અને કાજોલ હાજર રહ્યાં : મનિષાએ સંજય લીલા સાથે ફોટો મુકી પોતે મુંબઈમાં જ હોવાનું દર્શાવ્યું 

મુંબઈ : બોલીવૂડની યાદગાર સસ્પેન્સ ફિલ્મોમાં સ્થાન પામી ચુકેલી ગુપ્ત ની રિલીઝને પચ્ચીસ વર્ષ પૂરાં થતાં તેની શાનદાર સિલબર જ્યુબિલી ઉજવણી યોજાઈ હતી. પરંતુ તેમાં માત્ર બોબી દેઓલ અને કાજોલ જ હાજર રહેતાં તેમની હાજરી કરતાં પણ વધારે તો મનિષા કોઈરાલાની ગેરહાજરી ચર્ચાનું કારણ બની છે. 

મુંબઈમાં ફિલ્મની સિલ્વર જ્યુબિલી નિમિત્તે ખાસ સ્ક્રિનિંગ સહિતનું સેલિબ્રેશન યોજાયું હતું. તેમાં બોબી દેઓલ અને કાજોલ એક મંચ પર આવ્યાં હતાં. 

આ ઉજવણીના વીડિયો વાયરલ થતાં લોકોએ તરત જ મનિષા ક્યાં છે તેવા સવાલોનો મારો ચલાવ્યો હતો. ફિલ્મમાં બોબી દેઓલ, કાજોલ અને મનિષાનો લવ ટ્રાયેંગલ દર્શાવાયો હતો. મનિષાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ગુપ્તને પચ્ચીસ વર્ષ પૂરાં થયાં હતાં એ યાદ કર્યું હતું. સાથે સાથે તેણે ફિલ્મ સર્જક સંજય લીલા ભણશાળી અને વિતેલા જમાનાની એકટ્રેસ મુમતાઝ સાથેના ફોટા મુકી પોતે મુંબઈ હોવાનું પણ દર્શાવ્યું હતું. તે પછી મનિષાની ગેરહાજરીની વધારે ચર્ચા થઈ હતી. મનિષા સંજય લીલા ભણસાળીની વેબ સિરીઝ હીરામંડીમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. 

આ વેબ સિરીઝથી મુમતાઝ પણ વર્ષો પછી સ્ક્રીન પર દેખાશે તેવી ચર્ચા છે. આ સંદર્ભમાં મનીષાએ તે બંને સાથે મુલાકાત કરી હોવાની શક્યતા છે. 

મનિષાએ સંજય લીલા ભણશાળીની ખામોશી ફિલ્મમાં અફલાતૂન અભિનય આપ્યો હતો. આ ઉપરાંત ૧૯૪૨ એ લવ સ્ટોરી ફિલ્મમાં પણ મનિષા પર પિક્ચરાઈઝ થયેલાં સોંગ્સનું સોંગ ડિરેક્શન સંજય લીલા ભણશાળીએ કર્યું હોવાનું કહેવાય છે. 

    Sports

    RECENT NEWS