રિશિ કપૂરના ડાયહાર્ટ ફેન્સ એવા "જીએલએસ જેમ્સ"ના ચાર મિત્રએ ટ્રીબ્યુટ આપતો વીડિયો તૈયાર કર્યો
લોકડાઉન ક્રિએટિવિટી : 1980ની કર્ઝ ફિલ્મના "દર્દ-એ-દિલ" ગીતનો મેમોરેબલ વીડિયો યુટ્યુબ પર પોસ્ટ કર્યો
પ્રોપ્સ, લોકેશન, લાઇટિંગ અને બેગ્રાઉન્ડ અંગે વાતચીત કરી દરેકે પોતાના બાળકોની મદદ લઇ પોત-પોતાના કેમેરામાં જ વીડિયો ક્લિપ શૂટ
અમદાવાદ,1 જુન 2020 સોમવાર
લોકડાઉનના પિરિયડને દરેક લોકોએ પોતાની રીતે ક્રિએટિવલી અને નવા નવા પ્રયોગો કરીને વિતાવવાનો પ્રયત્ન કર્યો છે. લોકડાઉનમાં દરેક વ્યક્તિએ પોતાના શોખને અનુરુપ પ્રવૃત્તિઓ શોધી કાઢી છે ત્યારે જીએલએસ જેમ્સના ચાર મિત્રએ યુટ્યુબ પ્લેટફોર્મ પર રિશિ કપૂરને ટ્રીબ્યુટ આપતો ખૂબ જ ફની અને મેમોરેબલ વીડિયો પોસ્ટ કરી દરેકના ચહેરા પર હળવું સ્મિત રેલાવી ગયું.
દર્દ-એ-દિલ દર્દ-એ-જીગર ... દિલમે જગાયા આપને.... પહેલે તો મે શાયર થા આશીક બનાયા આપને..... 1980ની કર્ઝ ફિલ્મના આ ગીત પર 1985-86ની જીએલએસ લોની બેચના ગ્રુપ (જીએલએસ જેમ્સ) દ્વારા એક સુંદર વીડિયો તૈયાર કરાયો છે. રિશિ કપૂરને ટ્રીબ્યુટ આપતા આ વીડિયોમાં ચાર મિત્રોએ રિશિ કપૂરનું પાત્ર ભજવ્યું છે અને તેમની સાથે તેમની પત્નીઓએ હીરોઇન તરીકેનું કેરેક્ટર પ્લે કરી અદ્દભુત રિએક્શન આપ્યા છે.
વીડિયોમાં હેતલ ત્રિવેદી તેમની પત્ની દ્રષ્ટિ ત્રિવેદી સાથે, મિહિર શાહ પત્ની પારૂલ શાહ સાથે, મિલન શાહ પત્ની રુપા શાહ સાથે અને વિરલ ત્રિવેદી પત્ની રચના ત્રિવેદી સાથે જોવા મળ્યા. આ ચાર મિત્રોમાંથી બે મિત્રો તેમના પરિવાર સાથે વિદેશમાં જઇને વસ્યા છે અને ત્યાંથી તેઓએ વીડિયો શૂટ કરીને મિત્રને ઓનલાઇન મોકલી આપ્યો છે.
આ અંગે વાત કરતા આંબાવાડી વિસ્તારમાં રહેતા હેતલ ત્રિવેદીએ કહ્યું કે, અત્યારની જનરેશન માટે જે રીતે વરુણ ધવન અને રણવીર સિંઘ આઇડલ છે તેવી રીતે એ સમયે રિશિ કપૂરનો જમાનો હતો અને અમારા ગ્રુપના તમામ 50 સભ્યો રિશિ કપૂરના ડાય હાર્ટ ફેન હતા, છીએ અને હંમેશા રહીશું... ત્યારે જ્યારે તેમનું અવસાન થયું ત્યારે ખુબ દુઃખ થયું પરંતુ અમે કોલેજના ક્લાસમાં રિશિ કપૂરના જે ગીતો ગાતા અને તેમની ફિલ્મ જોઇ આવીને તેના ડાયલોગ મારતા તેને ફરી એક વખત વાગોળવાનું મન થયું એટલે આ પ્રમાણેનો કોલાજ વીડિયો બનાવવાનું નક્કી કર્યું.
વીડિયો તૈયાર કરવા પહેલાં મેં અને મારી પત્નીએ સેમ્પલ બનાવ્યું
હું પોતે ડોક્યુમેન્ટરી અને વીડિયો શૂટ કરું છું એટલે મને ખ્યાલ હતો કે કેવી રીતે વીડિયો તૈયાર કરવો પરંતુ દૂર વિદેશમાં બેઠેલા મિત્રોને કેવી રીતે સમજાવવું.. તેઓ સરળતાથી સમજી શકે તે માટે મે અને મારી પત્નીએ સેમ્પલ વીડિયો તૈયાર કર્યો અને તેને મોકલી આપ્યો. આ પછી ક્યા પ્રોપ્સ સાથે, કયા લોકેશનમાં, લાઇટિંગ અને બેગ્રાઉન્ડ અંગે વાતચીત કરી દરેકે પોતાના બાળકોની મદદ લઇ પોત-પોતાના કેમેરામાં જ આ વીડિયો ક્લિપ શૂટ કરી છે ત્યારબાદ આ ક્લિપ મને મોકલી મેં તેનું એડિટિંગ કરી માત્ર મનોરંજન અને રિશિ કપૂરને ટ્રીબીયુટ આપતા સાત દિવસના સમયગાળામાં આ વીડીયો તૈયાર કર્યો. - હેતલ ત્રિવેદી