Emraan Hashmi On Dhurandhar’s Success : રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર' માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં ખૂબ જ સફળ રહી છે. રિલીઝ થયા પછી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે. આ જંગી સફળતા માટે ફિલ્મની ટીમને પ્રશંસા મળી રહી છે. આ દરમિયાન ઇમરાન હાશ્મીએ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવર્તતી 'ગંદી માનસિકતા' વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું કે, લોકો ફિલ્મોને બદનામ કરવાનું પસંદ કરે છે.
ઇમરાન હાશ્મીએ શું કહ્યું?
ફિલ્મની સફળતાથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને કેવી રીતે ફાયદો થાય છે તે વિશે વાત કરતા ઇમરાને કહ્યું, "જ્યારે કોઈ ફિલ્મ સારી ચાલે છે, તો સૌથી પહેલી ખુશી થાય છે. આપણી ઈન્ડસ્ટ્રીમાં એક ગંદી માનસિકતા છે. લોકો ફિલ્મોને બદનામ કરવાનું પસંદ કરે છે. પરંતુ મારું માનવું છે કે જો કોઈ વસ્તુ સારી ચાલે છે, તો તેની ઉજવણી થવી જોઈએ. કારણ કે જેટલી વધુ ફિલ્મો સારી ચાલે છે, તે ઈન્ડસ્ટ્રી માટે તેટલું સારું છે અને રોકડ પ્રવાહ વધશે. આ દરેક માટે લાભદાયક છે. તેથી તેમાં ગંદી માનસિકતા ન હોવી જોઈએ."
રણવીર સિંહની ફિલ્મની સફળતા અને તેની માર્કેટિંગના વખાણ કરતાં ઇમરાને કહ્યું કે, "ફિલ્મ મેકર્સ માટે આ બહુ સારી વાત છે. મને લાગે છે કે આ એક શાનદાર ફિલ્મ છે. ફિલ્મનું માર્કેટિંગ, તેના વખાણ... મે હજુ સુધી ફિલ્મ જોઈ નથી, પરંતુ હિંમતની વાત છે કે ફિલ્મના બે પાર્ટ બને. એક ફિલ્મ લગભગ સાડા ત્રણ કલાકની છે, પરંતુ તે એ રીતનો બિસનેસ કરી રહ્યું છે. હું કોઈને કહી રહ્યો હતો કે, સિનેમા એક્સપીરિયન્સ ચાર કલાકનો થશે, પરંતુ લોકો 12 વાગ્યાના અને સવારના શોમાં પણ જઈ રહ્યા છે. જે સિનેમા અને વર્ડ ઓફ માઉથની તાકાત છે. જે જંગલની આગની જેમ ફેલાઈ રહી છે."
આ પણ વાંચો: 8 વર્ષ બાદ દયાબેન તારક મહેતા શૉમાં વાપસી કરશે? એક્ટરે તોડ્યું મૌન, ફેન્સ ઉત્સુક!
ડાયરેક્ટર આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત અને B62 સ્ટુડિયોના બેનર હેઠળ જિયો સ્ટુડિયોના સહયોગથી નિર્મિત "ધુરંધર" એક ઉચ્ચ-ઓક્ટેન એક્શન થ્રિલર છે. ફિલ્મમાં રણવીર સિંહ એક નીડર અંડરકવર જાસૂસના રોલમાં જોવા મળે છે. રણવીર સિંહની સાથે અર્જુન રામપાલ, અક્ષય ખન્ના, સંજય દત્ત, આર. માધવન અને સારા અર્જુને પણ ભૂમિકા ભજવી છે. 5 ડિસેમ્બર, 2025ના રોજ રિલીઝ થયેલી "ધુરંધર" એ વિશ્વભરમાં લગભગ રૂ.1,300 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મનો બીજો ભાગ 19 માર્ચ, 2026 ના રોજ રિલીઝ થશે.


