Disha Vakani Dayaben Comeback: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચાહકો માટે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. વર્ષોથી જે સવાલ દરેકના મનમાં છે કે, 'દયાબેન' (દિશા વાકાણી) શૉમાં ક્યારે પાછા ફરશે? હવે આ અંગે શૉમાં 'અબ્દુલ'નું પાત્ર ભજવતા અભિનેતા શરદ સંકલાએ મૌન તોડ્યું છે.
દયાબેનની વાપસી અંગે શરદ સંકલાએ તોડ્યું મૌન
એક ઈન્ટરવ્યૂમાં શરદ સંકલાએ જણાવ્યું કે, 'મને હવે એવું નથી લાગતું કે આ શક્ય છે. જોકે, આ બાબતે કંઈ કહી શકાય નહીં. તે પાછા ફરી પણ શકે અને ન પણ ફરે. મેં અગાઉ પણ કહ્યું હતું કે અમારા પ્રોડ્યુસર ક્યારેય નથી ઈચ્છતા કે કોઈ પણ કલાકાર શૉ છોડીને જાય.'
આટલા વર્ષો પછી પણ પ્રેક્ષકો દયાબેનના પાત્રને ભૂલી શક્યા નથી
શરદ સંકલાએ વધુમાં કહ્યું કે, 'દિશા વાકાણીએ 8 વર્ષ પહેલા શૉ છોડ્યો હતો અને હજુ પણ શૉ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. આટલા વર્ષો પછી પણ પ્રેક્ષકો દયાબેનને યાદ કરે છે, જે દર્શાવે છે કે તેમનો ક્રેઝ આજે પણ અકબંધ છે. પ્રોડ્યુસર અસિત કુમાર મોદી પણ તેમની રાહ જોઈ રહ્યા છે. જો તે પાછા ફરે તો તે અદ્ભુત બાબત હશે અને જો ન ફરે તો નવા કલાકાર લેવા પડશે.'
અંગત જીવનમાં વ્યસ્ત છે દિશા વાકાણી
શરદના જણાવ્યા અનુસાર, 'દરેકની પોતાની પર્સનલ જર્ની હોય છે. દિશા વાકાણીના અંગત જીવનમાં શું ચાલી રહ્યું છે અને તે શું નિર્ણય લેશે તે અંગે અમે ટિપ્પણી ન કરી શકીએ. દયાબેનનું પાત્ર દિશાએ ખૂબ જ સુંદર રીતે ભજવ્યું છે. તેની બોલવાની શૈલી અને અવાજ અસલ જિંદગીથી સાવ અલગ છે. તે એક તાલીમબદ્ધ સ્ટેજ આર્ટિસ્ટ છે. જો કોઈ નવો કલાકાર આવે તો દર્શકો તેને સ્વીકારશે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે.'
આ પણ વાંચો: કપિલની કિસ કિસ કો પ્યાર કરું ટુની રી રીલિઝ કેન્સલ
સપ્ટેમ્બર 2017થી શૉથી દૂર
નોંધનીય છે કે, દિશા વાકાણીએ સપ્ટેમ્બર 2017માં મેટરનિટી લીવ લીધી હતી અને ત્યારથી તે શૉમાં જોવા મળી નથી. પોતાના પરિવાર અને બાળકોના ઉછેરમાં વ્યસ્ત હોવાને કારણે તેમણે હજુ સુધી કમબેક કર્યું નથી.


