જાણીતા યુટ્યુબર એલ્વિશ યાદવને હાઈકોર્ટનો ઝટકો, સાપના ઝેર અને ડ્રગ્સ મામલે કેસ ચાલશે
Elvish Yadav Gets Setback From Allahabad High Court: અલ્લાહાબાદ હાઈકોર્ટે યુટ્યુબર એલ્વિશ યાદવને મોટો ઝટકો આપ્યો છે. વાસ્તવમાં અલ્લાહાબાદ હાઈકોર્ટે એલ્વિશ યાદવની અરજી ફગાવી દીધી છે. એલ્વિશે નોઈડામાં રેવ પાર્ટીમાં ડ્રગ્સ અને સાપના ઝેર સાથે સંબંધિત કેસમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં એલ્વિશે કોર્ટને પોતાની સામે દાખલ કરાયેલ ચાર્જશીટ અને સમન્સ રદ કરવાની માગ કરી હતી.
જસ્ટિસ સૌરભ શ્રીવાસ્તવની બેન્ચે એલ્વિશ યાદવની અરજી ફગાવી દીધી છે, બેન્ચે કહ્યું કે, FIR અને ચાર્જશીટ બંનેમાં તેની વિરુદ્ધ નિવેદનો નોંધાયેલા છે. ન્યાયાધીશે કહ્યું કે, કેસ દરમિયાન આ આરોપોની સત્યતાની તપાસ કરવામાં આવશે. કોર્ટે એમ પણ કહ્યું કે, એલ્વિશે પોતાની અરજીમાં FIR ને જ પડકારી નથી.
એલ્વિશ યાદવની કાનૂની ટીમે કરી આ દલીલ
એલ્વિશના વરિષ્ઠ વકીલ નવીન સિન્હાએ વકીલ નિપુણ સિંહ અને વકીલ નમન અગ્રવાલ સાથે મળીને દલીલ કરી કે, FIR દાખલ કરનાર વ્યક્તિ વન્યજીવન સંરક્ષણ કાયદા હેઠળ કાયદેસર રીતે અધિકૃત નથી. એ પણ દલીલ કરી હતી કે જ્યાં કથિત ઘટના બની હતી તે પાર્ટીમાં એલ્વિશ યાદવ હાજર નહોતો. આ સાથે જ વકીલોએ કહ્યું કે, એલ્વિશ પાસેથી કોઈ સાપનું ઝેર કે ડ્રગ્સ નહોતું મળ્યું.
બીજી તરફ વિપક્ષના વકીલ મનીષ ગોયલે દલીલ કરી કે, તપાસમાં જાણવા મળ્યું છે કે એલ્વિશે એ વ્યક્તિઓને સાપ સ્પલાય કરતો હતો, જેમની પાસેથી સાપનું ઝેર મળી આવ્યું હતું. જોકે, બંને પક્ષોને સાંભળ્યા બાદ હાઈકોર્ટે એલ્વિશની અરજી ફગાવી દીધી અને કહ્યું કે આ મામલે ટ્રાયલ કોર્ટે નિર્ણય લેવાનો છે.
એલ્વિશ યાદવ સહિત ઘણા લોકો વિરુદ્ધ FIR
તમને જણાવી દઈએ કે, 3 નવેમ્બર, 2023ના રોજ નોઈડાના સેક્ટર 49માં યુટ્યુબર એલ્વિશ યાદવ સહિત ઘણા લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. પીએફએ ઓર્ગેનાઈઝેશનના એનિમલ વેલફેર ઓફિસર ગૌરવ ગુપ્તાએ આ તમામ સામે FIR નોંધાવી હતી. આ FIR IPCની કલમ 289, 284, 120-B, નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટની કલમ 8, 30, 22, 32, 29 અને વન્યજીવન (સંરક્ષણ) અધિનિયમ 1972ની કલમ 51, 9, 39, 50, 49, 48A હેઠળ નોંધવામાં આવી હતી.
શું છે આરોપ?
આ તમામ પર રેવ પાર્ટીમાં ડ્રગ્સ, સ્નેક વેનમનો ઉપયોગ કરવાનો અને જીવતા સાપ સાથે વીડિયો બનાવવાનો આરોપ હતો. એલ્વિશે કોર્ટમાં દાખલ કરાયેલ ચાર્જશીટ રદ કરવાની માગ કરી હતી. પરંતુ ન્યાયાધીશ સૌરભ શ્રીવાસ્તવની સિંગલ બેન્ચ દ્વારા અરજી ફગાવી દેવામાં આવી છે.