Get The App

એકતા કપૂરે માનસિક સ્વાસ્થ્ય વિષયક જાગૃતિ માટે ફંડ લોંચ કર્યું

- ફંડને આપ્યું સુશાંત સિંહ રાજપૂતની લોકપ્રિય સિરિયલનું નામ

Updated: Jul 18th, 2020

GS TEAM

Google News
Google News
એકતા કપૂરે માનસિક સ્વાસ્થ્ય વિષયક જાગૃતિ માટે ફંડ લોંચ કર્યું 1 - image


મુંબઈ, તા.17 જુલાઈ 2020, શુક્રવાર

૧૪મી જૂને સુશાંતસિંહ રાજપૂતે પોતાના જીવનનો અંત આણ્યો તેના એક મહિના બાદ ટચૂકડા પડદે સંખ્યાબંધ સિરિયલોનું નિર્માણ કરનાર એકતા કપૂરે તરૂણ કટિયાલ સાથે મળીને માનસિક તાણ સામે જાગૃતિ ફેલાવવા 'પવિત્ર રિશ્તા ફંડ' લોંચ કર્યું હતું.

એકતા કપૂરે કહ્યું હતું કે ૧૦ વર્ષ પહેલાંના સમયમાં અને વર્તમાન વખતમાં આભ- જમીનનું છેટું આવી ગયું છે. હમણાં લોકોના દિલોદિમાગ પર જેટલું ભારણ- દબાણ છે. એટલું અગાઉના વર્ષોમાં નહોતું. તેમાં વળી કોરોના મહામારીએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. લોકોને નાછૂટકે ઘરમાં પૂરાઈને રહેવું પડે છે, જેઓ ફરીથી કામે વળગ્યા છે. તેમને પણ કોવિડ-૧૯ના સંક્રમણનો ભય સતાવે છે, ઘરમાં બેઠેલા લોકોને એકમેક સાથે ઘર્ષણ થાય છે, લોકો રોજગારી ગુમાવી રહ્યાં હોવાથી આર્થિક સંકટ આવી પડયું છે, આવી સ્થિતિમાં માનસિક તાણ વધે અને લોકો અંતિમ પગલું લઈ બેસે એવા સંજોગો સર્જાઈ રહ્યાં છે. મને માનસિક રીતે ત્રસ્ત લોકોને મદદ કરવા 'પવિત્ર રિશ્તા ફંડ' લોંચ કરવાની તક મળી તેનો આનંદ છે. માત્ર વર્તમાન સમયમાં જ નહીં, ભવિષ્યમાં પણ હું આવા કાર્યો કરવી રહીશ.

અત્રે ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતે એકતા કપૂરના નિર્માણમાં બનેલી ધારાવાહિક 'પવિત્ર રિશ્તા'માં કામ કરીને અપ્રતિમ લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી. આ શોમાં મૃતક અભિનેતાએ 'માનવ દેશમુખ'ની ભૂમિકા ભજવી હતી.

તરૂણ કટિયાલે કહ્યું હતું કે અમે આ પહેલ દ્વારા લોકોમાં માનસિક તાણ- ડિપ્રેશન વિશે જાગૃતિ ફેલાવવા માગીએ છીએ. અમે આ કપરા સમયમાં વધુમાં વધુ લોકોને મદદ કરવા ઈચ્છીએ છીએ.

Tags :