FOLLOW US

વિકી કૌશલની ઈમમોર્ટલ્સ ઓફ અશ્વાત્થામા પરથી ધૂળ ખંખેરાઈ

Updated: Jul 8th, 2022


- બજેટના વાંધાથી અગાઉ પ્રોજેક્ટ મુલત્વી રખાયો હતો 

- હવે વિકી કૌશલ સાથે સારાને બદલે સામંથા ગોઠવાય તેવી શક્યતાઃ આવતાં વર્ષથી શૂટિંગ શરુ થઈ શકે 

મુંબઈ : વિકી કૌશલની બહુ લાંબા સમયથી અભેરાઈ પર ચઢી ગયેલી ફિલ્મ ધી ઈમમોર્ટલ અશ્વત્થામા પરથી ફરી ધૂળ ખેંખેરાઈ છે. હવે વિકી કૌશલને જ મુખ્ય ભૂમિકામાં પરંતુ સામંથા રુથ પ્રભુ સહિતના કેટલાક નવા કલાકારો સાથે આ ફિલ્મ આગળ વધારવા પ્લાનિંગ કરાયું છે. 

બોલીવૂડમાં જ્યારે બ્રહ્માસ્ત્ર, આદિપુરુષ, સીતા વગેરે સહિતની પ્રાચીન કથાનકો આધારિત ફિલ્મો બનાવવાની એક પછી એક ઘોષણા થઈ રહી હતી ત્યારે જ ધી ઈમમોર્ટલ અશ્વત્થામા બનાવવાની પણ જાહેરાત થઈ હતી. ત્યારે પણ મુખ્ય ભૂમિકામાં વિકી કૌશલની જ પસંદગી થઈ હતી. આ ફિલ્મનું એનાઉન્સમેન્ટ પોસ્ટર પણ રિલીઝ કરાયું હતું. 

પરંતુ બાદમાં આ પ્રોજેક્ટ અભેરાઈ પર ચડી ગયો હતો. એકવાર મેકર્સ દ્વારા સત્તાવાર રીતે કબૂલવામાં આવ્યું હતું કે આ ફિલ્મની સ્ક્રિપ્ટની ડીમાન્ડ અને બજેટની જોગવાઈ એ બે વચ્ચે છેડા મળતા નથી આથી આ પ્રોજેક્ટ થોડા સમય પછી મુલત્વી રાખવામાં આવ્યો છે. ફિલ્મની પ્રોડક્શન ટીમ બજેટ અંગે નવેસરથી દરખાસ્ત તૈયાર કરશે તે પછી કોઈ નિર્ણય લેવાશે. તે પછી કોરોના કાળને કારણે બોલીવૂડમાં મૂડી પ્રવાહિતા અટકી જતાં આ ફિલ્મ પર કાયમી પ્રશ્નાર્થ મુકાઈ ગયાનું મનાતું હતું. 

જોકે, હવે આદિત્ય ધારએ આ પ્રોજેક્ટ નવેસરથી હાથમાં લીધો હોવાનું કહેવાય છે. મુખ્ય ભૂમિકા માટે વિકી કૌશલને જ જારી રખાયો છે. જોકે, તેની સાથે હિરોઈન તરીકે સારા અલી ખાનને બદલે સાઉથની હિરોઈન સામંથા રુથ પ્રભુની પસંદગી થશે તેવી ચર્ચા છે. ફિલ્મનું પ્રિ પ્રોડક્શન વર્ક ટૂંક સમયમાં ચાલુ થશે અને મોટાભાગે આવતાં વર્ષની શરુઆતમાં શૂટિંગ ચાલુ થઈ શકે છે. વિકી કૌશલ હાલ મેઘના ગુલઝારની જનરલ માણેકશા પરની બાયોપિકમાં વ્યસ્ત છે. તે પછી તે આ ફિલ્મ માટે સમય ફાળવી શકશે એમ માનવામાં આવે છે.

Gujarat
English
Magazines