દીપિકા પદુકોણ સુશાંત સિંહ રાજપૂતનો વીડિયો શેર કરવા બદલ ફોટોગ્રાફર પર ભડકી
- વાસ્તવમાં એક તસવીરકારે સુશાંતનું પિકચર મુકીને તેની અંતિમ ક્રિયાનો વિડીયો પોસ્ટ કર્યો હતો
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 23 જૂન 2020, મંગળવાર
સુશાંત સિંહ રાજપૂતના વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેના દ્વારા પૈસા મેળવવાના પાપારાત્ઝીઓના પ્રયાસ પર દીપિકા પદુકોણ ભડકી છે. તેનું કહેવું છે કે, સુશાંતના પરિવારની લેખિત સહમતિ વગર તેઓ પણ તેના વીડિયોનો મોનેટાઇઝ કરવાનો અને પોસ્ટ કરવાનો અધિકાર નથી.
વાસ્તવમાં વાત એમ બની છે કે, એક પાપારાત્ઝીએ સોશિયલ મીડિયા પર સુશાંતનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયો સુશાંતના પાર્થિવ દેહને શ્મશાન ઘાટ લઇ જતા હોય છે તે હતો. સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, પ્લીઝ ધ્યાન આપશો.મેં પાડેલી તસવીરો અને વીડિયોને મારી લેખિત મંજૂરી વગર કોઇ પણ પ્લેટફોર્મ પર પોસ્ટ નહીં કરી શકો.
દીપિકાએ આ તસવીરકારને બરાબર દબડાવ્યો હતો. તેણે કોમેન્ટ બોક્સમા લખ્યું હતું કે, તે તારી વાત સાચી છે, પરંતુ શું તમારા માટે એ યોગ્ય છે કે તમે વીડિયો બનાવો છો અને પોસ્ટ પણ કરો છો તેમજ તેના દ્વારા રૂપિયા પણ મેળવો છો. આ બધુ તમે તેના પરિવારની સહમતિ વગર જ કરી રહ્યા છો.
દીપિકાની આ ફટકારથી તેના ચાહકો પ્રભાવિત થઇ ગયા છે.
એક પ્રશંસકે તો લખ્યું હતું કે એકદમ સાચી વાત કરી છે.
જ્યારે અન્ય એકની કોમેન્ટ હતી કે હું તમારી સાથે સહમત છું.