Get The App

એક્ટર દિપક તિજોરી સાથે છેતરપિંડી! ફિલ્મ ફંડિંગના નામે લાખો રૂપિયા સેરવી ગયો ઠગ

Updated: Jan 15th, 2026

GS TEAM

Google News
Google News
એક્ટર દિપક તિજોરી સાથે છેતરપિંડી! ફિલ્મ ફંડિંગના નામે લાખો રૂપિયા સેરવી ગયો ઠગ 1 - image


Deepak Tijori Fraud Case: બોલિવૂડના જાણીતા અભિનેતા અને ફિલ્મ નિર્માતા દીપક તિજોરી છેતરપિંડીનો શિકાર બન્યા છે. તેમની આગામી ફિલ્મ પ્રોજેક્ટ માટે ફંડિંગની વ્યવસ્થા કરી આપવાના બહાને ત્રણ શખસોએ તેની પાસેથી 5 લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ મુંબઈના બાંગુરનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

શું છે સમગ્ર મામલો?

અહેવાલો અનુસાર, દીપક તિજોરી હાલમાં તેમની ચર્ચિત ફિલ્મ સીરીઝની સિક્વલ 'ટોમ, ડિક એન્ડ હેરી 2' પર કામ કરી રહ્યા છે. આ ફિલ્મ માટે રોકાણકારો મેળવવાના પ્રયાસો દરમિયાન તે ઠગ ટોળકીના સંપર્કમાં આવ્યા હતા. એક મિત્ર મારફતે દીપક તિજોરીનો પરિચય કવિતા શિબાગ કૂપર સાથે થયો હતો, જેણે પોતે ટી-સિરીઝ જેવી મોટી કંપની સાથે સંકળાયેલી હોવાનો દાવો કર્યો હતો. કવિતાએ દીપકને ફૌઝિયા આર્શી નામની મહિલા સાથે મેળવ્યા હતા. ફૌઝિયાએ દાવો કર્યો હતો કે તેના ઝી નેટવર્ક અને મીડિયા ઈન્ડસ્ટ્રીમાં મજબૂત સંબંધો છે અને તે ફિલ્મ માટે 'લેટર ઓફ ઇન્ટરેસ્ટ' (LOI) અપાવી શકે છે. આ લેટર મેળવવાના નામે ફૌઝિયાએ 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. દીપક તિજોરીએ વિશ્વાસ રાખીને બે હપ્તામાં આ પૈસા ટ્રાન્સફર કર્યા હતા.

આ પણ વાંચો: ચિરંજીવીની આ ફિલ્મે રણવીર સિંહની 'ધુરંધર'ને પછાડી, માત્ર બે જ દિવસમાં 100 કરોડનો આંકડો પાર

કેવી રીતે ખુલી પોલ?

અભિનેતા દીપક તિજોરીનો વિશ્વાસ જીતવા માટે આરોપીઓએ ઝી નેટવર્કના અધિકારી 'જોશી' હોવાનો ડોળ કરીને એક વ્યક્તિ સાથે ફોન પર વાત પણ કરાવી હતી. કરાર કર્યા બાદ અને નાણાં મેળવ્યા બાદ આરોપીઓએ દસ્તાવેજો આપવાનું ટાળ્યું હતું અને દીપકના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. જ્યારે દીપક તિજોરીએ પોતે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે ઝી નેટવર્કમાં 'જોશી' નામનો કોઈ અધિકારી જ નથી અને કવિતાએ ટી-સિરીઝમાંથી પહેલેથી રાજીનામું આપી દીધું હતું.

આ મામલે દીપક તિજોરીની ફરિયાદના આધારે બાંગુરનગર પોલીસે કવિતા કૂપર, ફૌઝિયા આર્શી અને અન્ય એક અજાણી વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતાની છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે જણાવ્યું છે કે ટૂંક સમયમાં ત્રણેય આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે અને કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.