Chiranjeevi New Movie: છેલ્લા થોડા સમયથી નવી ફિલ્મો અને બોક્સ ઓફિસના કલેક્શનની ચર્ચા ખૂબ જ વધી ગઈ છે. એકતરફ 'ધુરંધર'ની કમાણી નવા નવા રેકોર્ડ બનાવી રહી છે, તો બીજી તરફ 'પુષ્પા'ના કલેક્શનને પણ યાદ કરવામાં આવી રહ્યું છે. જોકે, હાલમાં જ એક એવી ફિલ્મનો આંકડો સામે આવ્યો છે, જેણે માત્ર 2 દિવસમાં જ 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મ સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીની 'મન શંકર વર પ્રસાદ ગારુ' છે.

મેગાસ્ટાર ચિરંજીવીની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. રિલીઝના માત્ર બે દિવસમાં જ તેણે 120 કરોડ રૂપિયા કરતાં વધારેની કમાણી કરી છે, જે એક મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે. ફિલ્મની ધમાકેદાર શરૂઆતે સાબિત કરી દીધું છે કે, મેગાસ્ટાર ચિરંજીવીની અપીલ અને સ્ટારડમ આજે પણ યથાવત્ છે અને દર્શકો તેમના કામને મોટા પડદા પર ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન અનિલ રવિપુડીએ કર્યું છે.
'ધુરંધર'ને પછાડી દીધી
સૌથી મહત્ત્વની બાબત એ છે કે, આ ફિલ્મે રિલીઝના બીજા જ દિવસે 'ધુરંધર'ને પછાડી દીધી છે. જ્યાં 'ધુરંધર' ફિલ્મે 2 દિવસમાં વર્લ્ડવાઇડ 90 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, તેની સામે આ ફિલ્મે 100 કરોડનો આંકડો સરળતાથી પાર કરી લીધો. ચિરંજીવી ઉપરાંત ફિલ્મમાં નયનતારા, કેથરીન ટ્રેસા, સચિન ખેડેકર, ઝરીના વહાબ અને હર્ષવર્ધન જેવા કલાકારોએ પણ મહત્વની ભૂમિકા નિભાવી છે. આ એક સંપૂર્ણ પારિવારિક મનોરંજક ફિલ્મ છે, જેને દર્શકો ખૂબ જ ઉત્સાહ સાથે નિહાળી રહ્યા છે.
કલેક્શન 120 કરોડને પાર
ફિલ્મનું કુલ વર્લ્ડ વાઇડ ગ્રોસ કલેક્શન 120 કરોડને પાર પહોંચી ચૂક્યું છે, જેના કારણે તે આ સીઝનની સૌથી મોટી હિટ ફિલ્મો પૈકીની એક બની ગઈ છે. આ શાનદાર કલેક્શને ચિરંજીવીની કારકિર્દીમાં વધુ એક નવી સિદ્ધિ ઉમેરી છે. ખાસ કરીને આંધ્રપ્રદેશ અને તેલંગાણાના સિનેમાઘરોમાં ટિકિટોનું વેચાણ ખૂબ જ ઝડપી રહ્યું છે. બીજી તરફ, વિદેશી બજારોમાં પણ ફિલ્મે સારી પકડ બનાવી છે. ફિલ્મના નિર્માતાઓએ આ સમાચાર શેર કરતા જણાવ્યું હતું કે, ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે.


