'જો કોઈ સાબિત કરે કે દલેર મહેંદીએ દારૂ પીધો તો હું સિંગિગ છોડી દઈશ...', વિવાદ વચ્ચે મિકા સિંહનો પડકાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mika Singh defends Daler Mehndi: 18 ઓક્ટોબરના રોજ ઉત્તરાખંડના તેહરી જિલ્લામાં કુંજાપુરી મેળા દરમિયાન નવરાત્રિના એક કાર્યક્રમમાં પ્રખ્યાત ગાયક દલેર મહેંદીના પર્ફોર્મન્સ વખતે મોટો વિવાદ થયો હતો. કાર્યક્રમ ચાલુ હતો ત્યારે ધારાસભ્ય (MLA) સુબોધ ઉનિયાલ સ્ટેજ પર આવ્યા હતા અને માઇક પકડીને દલેર મહેંદી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે દલેર મહેંદીને પોતાનું ગાવાનું તરત જ બંધ કરીને સ્ટેજ પરથી નીચે ઉતરી જવાનું કહ્યું હતું. ધારાસભ્યે ઉપસ્થિત શ્રદ્ધાળુઓ સમક્ષ દાવો કર્યો હતો કે માતાજીના પવિત્ર કાર્યક્રમમાં દલેર મહેંદી દારૂ પીને આવ્યા છે અને તેમની હાલત એવી છે કે તેઓ બરાબર બોલી કે ગાઈ પણ શકતા નથી.
મિકા સિંહનો ભાઈ માટે બચાવ
દલેર મહેંદી પર લાગેલા આ આક્ષેપો બાદ તેમના નાના ભાઈ અને જાણીતા ગાયક મિકા સિંહે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને દલેર મહેંદીનો પક્ષ લીધો હતો. મિકાએ જણાવ્યું કે, 'દલેર પાજીએ મને કોઈ નિવેદન આપવાની ના પાડી હતી, પરંતુ એક ભાઈ અને ચાહક તરીકે બોલવું મારી ફરજ છે.' મિકાએ મીડિયા અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના સાથીઓને પડકાર ફેંકતા કહ્યું કે, 'જો કોઈ એક પણ વ્યક્તિ એ સાબિત કરી દે કે તેમણે દલેર મહેંદીને ક્યારેય દારૂ પીતા જોયા છે, તો હું ગાયકી છોડી દઈશ.'
બીમારી અને તાજેતરની સર્જરી બની સ્ટેજ પર અસ્વસ્થતાનું કારણ
મિકા સિંહે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, 'દલેર મહેંદી છેલ્લા 30 વર્ષથી સુપરસ્ટાર છે અને તેમણે જીવનમાં ક્યારેય દારૂને સ્પર્શ પણ કર્યો નથી.' મિકાએ ખુલાસો કર્યો કે, 'તાજેતરમાં જ દલેર મહેંદીનું એક ગંભીર ઓપરેશન થયું હતું. તબિયત લથડેલી હોવા છતાં, આયોજકોને આપેલું વચન નિભાવવા માટે તેઓ સ્ટેજ પર આવ્યા હતા. કલાકારો ઘણીવાર 104 ડિગ્રી તાવ કે ગંભીર બીમારી હોવા છતાં પણ પરફોર્મ કરતા હોય છે. તેથી સ્ટેજ પર દલેર મહેંદી બરાબર ઊભા ન રહી શક્યા કે ગાઈ ન શક્યા, તેનું સાચું કારણ તેમની ખરાબ તબિયત હતી, દારૂનું સેવન નહીં.'
દારૂ ન પીવા અંગે દલેર મહેંદીનું નિવેદન અને તેમની ગાયકીની સફર
59 વર્ષીય દલેર મહેંદી 1990ના દાયકામાં 'બોલો તારા રારા' અને 'ટુનક ટુનક તુન' જેવા પંજાબી પૉપ ગીતોથી ઘરઘરમાં જાણીતા બન્યા હતા. તેમણે 'રંગ દે બસંતી' અને 'ના ના ના રે' જેવા અનેક સુપરહિટ બોલિવૂડ ગીતો પણ ગાયા છે. વર્ષ 2024માં આપેલા એક ઇન્ટરવ્યૂમાં દલેર મહેંદીએ પોતે જ જણાવ્યું હતું કે તેઓ દારૂનું સેવન કરતા નથી અને આ જ સયમ તથા પરેજીના કારણે તેમનો અવાજ આજે 27 વર્ષ પછી પણ પહેલા જેવો જ જળવાઈ રહ્યો છે.




