કનિકા કપૂર કોરોના દર્દીઓને પ્લાઝમા ડોનેટ કરવા માટે તૈયાર
- પ્લાઝમા થેરાપીથી કોરોનાના દર્દીઓને રિકવરીમાં લાભ થઇ રહ્યો છે
લખનૌ, તા. 27 એપ્રિલ 2020, સોમવાર
દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. સરકાર કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટેના પ્રયાસો કરી રહી છે. સરકારે કોરોના વાયરસ સામે લડવા માટે પ્લાઝમા થેરાપીનો પણ ટ્રાયલ લઇ રહી છે. પ્લાઝમા ડોનેટ કરવા માટે કેટલાય કોરોના સર્વાઇવર્સ મદદ કરી રહ્યા છે. હવે બોલિવુડ સિંગર કનિકા કપૂરે પણ પ્લાઝમા ડોનેટ કરવાનો નિર્ણય કર્યો છે.
કનિકા કપૂરના પ્લાઝમા લેતા પહેલા લખનૌ સ્થિત કેજીએમયૂના ડૉક્ટર્સની ટીમ તેમના ટેસ્ટ કરશે. આ ટેસ્ટ કર્યા બાદ જ નક્કી કરી શકાશે કે કનિકા પ્લાઝમા આપી શકશે કે નહીં. જો રિપોર્ટસ પૉઝિટિવ આવશે તો કનિકા પ્લાઝમા ડોનેટ કરી શકશે.
જ્યારે કોઇ કોરોના પોઝિટિવ થઇ જાય છે ત્યારે તેના ઠીક થયા બાદ તેના બ્લડમાં એન્ટી બૉડીઝ બનતા હોય છે. ડૉક્ટરોનું માનવું છે કે આ લોકોના બ્લડમાંથી પ્લાઝમા લઇને કોરોના દર્દીને આપવામાં આવે તો તેમને કોરોનાથી મુક્ત થવામાં મદદ મળી રહેશે. દિલ્હીમાં પ્લાઝમા થેરાપીનો ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યો છે, જેનાથી દર્દીને લાભ થઇ રહ્યો છે.