પરેશ રાવલની ફિલ્મમાં તાજમહેલમા ભગવાન શિવ દેખાડાતાં વિવાદ

- ધી તાજ સ્ટોરીનું ટીઝર રજૂ થતાં ટીકાઓ
- ફિલ્મમાં કોઈ ધાર્મિક બાબત નહિ હોવાના પરેશ રાવલના ખુલાસા પછી પણ વિવાદ યથાવત
મુંબઇ : પરેશ રાવલની ફિલ્મ 'ધી તાજ સ્ટોરી' રીલિઝ પહેલાં જ વિવાદમાં ફસાઈ ગઈ છે. આ ફિલ્મનાં ટીઝરમાં તાજમહેલના ગુંબજમાંથી ભગવાન શિવ પ્રગટ થતા હોય તેવું દર્શાવાયું છે. આ સમગ્ર બાબતે લોકોએ આકરો વિરોધ કર્યો છે.
સોશિયલ મીડિયા પર લોકોએ ગુસ્સો વ્યક્ત કરતાં પરેશ રાવલ દ્વારા ખુલાસો પણ કરાયો હતો કે આ ફિલ્મમાં કોઈ ધાર્મિક બાબતનો સંદર્ભ નથી. આ ફિલ્મ સંપૂૂર્ણપણે ઐતિહાસિક તથ્ય આધારિત છે. તાજમહેલની અંદર શિવમંદિર મોજુદ હોવાના દાવા સાથે પણ આ ફિલ્મને કોઈ સંબંધ નથી તેવું આ ખુલાસામાં જણાવાયું છે. જોકે, પરેશ રાવલ સહિત ફિલ્મ નિર્માતાઓના ખુલાસા છતાં પણ લોકોનો ગુસ્સો શાંત પડયો ન હતો. કેટલાય લોકોએ લખ્યું હતું કે જે બાબત ઐતિહાસિક રીતે પ્રમાણિત નથી અને માત્ર ચર્ચાઓ પર આધારિત છે તેનો આધાર લઈ રાષ્ટ્રીય મહત્વની ઈમારતો બાબતે આવાં ચેડાં કરવાં ન જોઈએ.
ઉલ્લેખનીય છે કે પી એન ઓક નામના એક લેખકે વર્ષો પહેલાં દાવો કર્યો હતો કે તાજમહેલ વાસ્તવમાં તેજો મહાલય નામનું મંદિર હતું. જોકે, આ દાવાની સત્યતા અંગે અનેક વાદવિવાદ થઈ ચૂક્યા છે.









