Smriti Mandhana and Palaash Muchhal Wedding postponed : ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કપ્તાન સ્મૃતિ મંધાના અને ફિલ્મ નિર્માતા પલાશ મુચ્છલના લગ્નની ચાહકો ઉત્સાહથી રાહ જોઈ રહ્યા હતા. તેઓ 23 નવેમ્બરે મહારાષ્ટ્રના સાંગલીમાં લગ્ન કરવાના હતા. આ દરમિયાન સ્મૃતિના પિતા અને પલાશનું આરોગ્ય ઠીક નથી, એવા કારણો આપીને લગ્ન મુલતવી રાખવાનો નિર્ણય જાહેર કરાયો હતો. ત્યાર પછી અફવા ઊડી કે સ્વાસ્થ્ય સંબંધિત કારણોને લીધે નહીં, પણ પલાશના કોઈ બીજી યુવતી સાથેના સંબંધની જાણ થઈ જતાં આ લગ્ન અટકાવી દેવાયા છે. ‘બીજી યુવતી’ તરીકે જે બે કોરિયોગ્રાફર તરફ આંગળી ચીંધાઈ હતી, તેમાંની ગુલનાઝ ખાને તાજેતરમાં જ સોશિયલ મીડિયા પોસ્ટ લખીને આ મુદ્દે સ્પષ્ટતા કરી છે.
સ્મૃતિના એકાઉન્ટ પરની સાફસફાઈથી શંકા ઘેરી બની
લગ્ન મોકૂફ કરાયા ત્યારે સ્મૃતિ અને પલાશ વચ્ચે બધું બરાબર હોવાનો દેખાવ કરાયો હતો. પરંતુ ત્યાર પછી સ્મૃતિએ તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પરથી સગાઈ અને લગ્ન સંબંધિત તમામ પોસ્ટ્સ હટાવી દીધા, ત્યારે કશુંક ગંભીર બની ગયાની તેના ચાહકોને ગંધ આવી હતી. ત્યારથી આ લગ્ન બાબતે સોશિયલ મીડિયા પર અટકળો અને કુતૂહલનું વાતાવરણ સર્જાયું છે.
લગ્ન તૂટવામાં કોરિયોગ્રાફર નિમિત્ત બની?
અનિશ્ચિતતાના વાતાવરણમાં સોશિયલ મીડિયા પર અનામી સ્રોતો દ્વારા વિવિધ દાવા ફેલાવવા આવ્યા છે. એક વાત એવી પણ છે કે લગ્નના સંગીત કાર્યક્રમની કોરિયોગ્રાફી કરવાનું કામ જે બે કોરિયોગ્રાફર ‘નંદિકા દ્વિવેદી’ અને ‘ગુલનાઝ ખાન’ને સોંપાયું હતું, તે જ આ લગ્નમાં ગ્રહણ લગાવી ગઈ. આ આરોપોના પુરાવા નહીં હોવા છતાં યુઝર્સે તે સાચા માનીને મનફાવે એવી કમેન્ટ્સ કરવા માંડી. પરિણામે આ બંને કલાકારોના નામ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યા અને તે લોકોના ગુસ્સાનો ભોગ બની.
આ પણ વાંચો: સ્મૃતિ મંધાના અને પલાશના લગ્ન મોકૂફ થવા અંગે પલક મુચ્છલે તોડ્યું મૌન, જાણો શું કહ્યું
ગુલનાઝ ખાને સ્પષ્ટતા કરીને આરોપો ફગાવ્યા
આ વધતા જતા વિવાદ અને દોષારોપણના કારણે આખરે કોરિયોગ્રાફર ગુલનાઝ ખાને મૌન તોડ્યું છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખીને જાહેર કર્યું છે કે, ‘મારી અને મારી મિત્ર નંદિકા દ્વિવેદીને લગતી અફવા અને ખોટા આરોપો જોઈને મારે આ સ્પષ્ટતા આપવી પડે છે કે, આ લગ્ન પ્રસંગ મોકૂફ રહ્યો, તેમાં અમારી કોઈ જ સામેલગીરી કે ભૂમિકા નથી. માત્ર કોઈને સામાજિક રીતે ઓળખતા હોઈએ અને તેમની સાથે ફોટો પડાવ્યો હોય, એનો અર્થ એ નથી કે અમે તેમની અંગત બાબતો સાથે સંકળાયેલા છીએ. કૃપા કરીને ધારણાઓ કરવાનું બંધ કરો અને આદરપૂર્વક વર્તો. અમે તમારી સમજદારી અને સહયોગની અપેક્ષા રાખીએ છીએ.’
નંદિકાએ મૌન જાળવી રાખ્યું છે
ગુલનાઝે તો ખુલાસો આપી દીધો છે પણ, નંદિકા દ્વિવેદીએ આ વિવાદ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. તેણે સોશિયલ મીડિયા પ્રોફાઇલ પણ ‘પ્રાઇવેટ’ કરી દીધી છે. સ્મૃતિ મંધાના, પલાશ મુચ્છલ અથવા તેમના કુટુંબીજનો તરફથી પણ લગ્ન મુલતવી રાખવા અથવા સોશિયલ મીડિયા પોસ્ટ્સ હટાવવા પાછળના કારણો વિશે કોઈ સત્તાવાર નિવેદન અપાયું નથી. આ શૂન્યતાએ ઇન્ટરનેટ પરના અનુમાનોને વધુ પુષ્ટિ આપી છે.
રહસ્યમય મહિલાએ ખાનગી ચેટ લીક કરી દીધી
આ બધું બન્યું એ અગાઉ મેરી ડી'કોસ્ટા નામની એક મહિલાએ પલાશ મુચ્છલ અને એક મહિલા વચ્ચેની ‘ફ્લર્ટી’ ઓનલાઇન ચેટ લીક કરી દીધી હતી, જેને કારણે ચાહકો ચોંકી ગયા હતા. મેરી ડી'કોસ્ટા નામનું એકાઉન્ટ રહસ્યમય છે, કેમ કે એની ઓળખ છતી નથી થઈ. મેરીએ એક જુદી પોસ્ટ દ્વારા સ્પષ્ટતા કરી હતી કે, ‘પલાશે જે મહિલા સાથે છેતરપિંડી કરી છે એ કોરિયોગ્રાફર હું નથી.’
મેરીએ કોરિઓગ્રાફર શબ્દ વાપર્યો હોવાથી સોશિયલ મીડિયા પર યુઝર્સ ગુલનાઝ ખાન અને નંદિતા દ્વિવેદી તરફ આંગળી ચીંધી રહ્યા છે કારણ કે, લગ્નના સંગીત સમારંભની કોરિયોગ્રાફી કરવાના કામથી ગુલનાઝ અને નંદિતા જ પલાશની નજીક ગયા હોઈ શકે.
હકીકત શું છે એ તો સ્મૃતિ કે પલાશના પક્ષ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવે, ત્યારે જ ખબર પડશે.


