સિંઘમ અગેઈનમાં રામાયણને લગતા અનેક રેફરન્સ પર સેન્સરની કાતર
- સેન્સરે સાત મિનીટથી વધુની કાપકૂપ કરી
- અજયને શ્રીરામ, કરીનાને સીતા માતા દર્શાવતાં દ્રશ્યો દૂર કરાયાં : પડોશી દેશ અંગેના ઉલ્લેખો પર પણ કાતર
મુંબઈ : અજય દેવગણ અને કરીના કપૂરની ફિલ્મ 'સિંઘમ અગેઈન'માં સેન્સરે સાત મિનીટથી વધુની કાપકૂપ કરી છે. તેમાં રામાયણ આધારિત કેટલાંક દ્રશ્યો પણ કાપી નાખવામાં આવ્યાં છે. સર્જકોને એવું ડિસ્ક્લેમર મૂકવા કહેવાયું છે કે આ ફિલ્મ ભગવાન રામનાં કથાનક પરથી પ્રેરિત છે ખરી પરંતુ તેના પાત્રોને રામાયણના કોઈ પાત્ર કે કોઈ દેવી દેવતા સાથે સરખાવવામાં ન આવે. વાર્તા, તેના પાત્રો, રીવાજો પરંપરાઓ બધું જ આધુનિક સમાજને જ પ્રતિબિંબિત કરે છે.
ફિલ્મનાં એક સીનમાં અજય દેવગણને ભગવાન રામ, કરીના કપૂરને સીતા માતા તથા રણવીર સિંહને હનુમાનજી સાથે સરખાવાયાં છે. સેન્સરે આ દ્રશ્ય કાઢી નાખવા કહ્યું છે.
અન્ય એક દ્રશ્યમાં સિંઘમને શ્રી રામના સ્વરુપે દર્શાવાય છે અને સિંઘમ ચરણ સ્પર્શ કરે છે તેના પર પણ કાતર ફેરવી દેવામાં આવી છે. રાવણ એક સીનમાં સીતા માતાને પકડીેને ખેંચી જાય છે તે દ્રશ્ય પણ કાઢી નાખવા કહેવાયું છે. રણવીર સિંહના ફલર્ટિંગનાં એક દ્રશ્યને પણ દૂર કરવામાં આવ્યું છે. એક સીનમાં બંધારણીય વડાનાં ચિત્રણને કાઢી નાખવા તથા તેને લગતા ડાયલોગ સુધારવા કહેવાયું છે. ૨૬ સેકન્ડ લાંબું એક દ્રશ્ય તથા ડાયલોગ એવું કારણ દર્શાવીને કાપી નાખવા કહેવાયું છે કે તેનાથી દેશના પડોશી રાષ્ટ્ર સાથેના સંબંધને અસર થઈ શકે છે.
એક સીનના બેકગ્રાઉન્ડ સ્કોરમાં શિવ સ્ત્રોતનો ઉપયોગ કરાયો છે તે કાઢી નાખવા કહેવાયું છે. પોલીસ સ્ટેશનની અંદર જ માથું કાપવાના એક સીનને બ્લર કરી દેવા જણાવાયું છે.
અર્જુન કપૂરના ઝુબેર તરીકેના પાત્રમાં રાવણનો ઉલ્લેખ ધરાવતા કેટલાક સંવાદો પર કાતર ફેરવવામાં આવી છે.