60 કરોડ જમા કરાવો પછી જ વિદેશ જઈ શકશો...' શિલ્પા શેટ્ટીને હાઈકોર્ટનો મોટો ઝટકો
Shilpa Shetty, Raj Kundra Fraud Case: બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીને હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. 'જો શિલ્પા શેટ્ટી અને તેનો પતિ રાજ કુન્દ્રા વિદેશ જવા માગતા હોય, તો તેમણે પહેલા 60 કરોડ રૂપિયા જમા કરાવવા પડશે.' બોમ્બે હાઈકોર્ટે આ આદેશ આપ્યો છે. શિલ્પા શેટ્ટી અને તેના પતિએ કોર્ટને કહ્યું હતું કે, અમે અમેરિકા અને અન્ય દેશોમાં લોસ એન્જલસ જવા માગીએ છીએ. આના પર કોર્ટે કહ્યું કે, તમારા જવા પર કોઈ પ્રતિબંધ નથી, પરંતુ પહેલા તમારે 60 કરોડ રૂપિયા જમા કરાવવા પડશે.
વાસ્તવમાં આ દંપતી પર એક ઉદ્યોગપતિ પાસેથી 60 કરોડ રૂપિયા લેવાનો અને તેને પરત ન કરવાનો આરોપ છે. ઉદ્યોગપતિ દીપક કોઠારીનો આરોપ છે કે શિલ્પા અને રાજ કુન્દ્રાએ આ પૈસા તેમની પાસેથી વ્યવસાયના નામે લીધા હતા, પરંતુ તેનો ઉપયોગ તેમના પોતાના અંગત ખર્ચ માટે કર્યો હતો.
હું તપાસ એજન્સીને સહકાર આપવા તૈયાર: શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટીના ઘરે સોમવારે આર્થિક ગુના શાખાની એક ટીમ પહોંચી હતી અને 5 કલાક સુધી તેની પૂછપરછ કરી હતી. અભિનેત્રીએ પોતાના નિવેદનમાં પોલીસને જણાવ્યું હતું કે તે ફડચામાં ગયેલી કંપની બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડની કામગીરી પર નજર રાખતી નથી. શિલ્પા શેટ્ટી તરફથી કહેવામાં આવ્યું હતું કે, હું તપાસ એજન્સીને સહકાર આપવા તૈયાર છું અને મેં તમામ સવાલોના જવાબ આપ્યા છે. આ મામલો તેની જૂની એડ કંપની બેસ્ટ ડીલ ટીવી પ્રાઈવેટ લિમિટેડ સાથે જોડાયેલો છે. એક્ટ્રેસનું કહેવું છે કે, મેં એજન્સીને તમામ દસ્તાવેજો આપ્યા છે અને તેઓ જે પણ કહેશે તેમાં સહકાર આપવા તૈયાર છું. આ પહેલી વાર નથી જ્યારે શિલ્પા શેટ્ટી અને તેના પતિ કાનૂની વિવાદોનો સામનો કરવો પડ્યો છે.
60 કરોડ જમા કરાવો પછી જ વિદેશ જઈ શકશો
આ પહેલા 2021માં રાજ કુન્દ્રાની પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત તેની સામે બિટકોઈન કૌભાંડના આરોપોમાં પણ તેની તપાસ ચાલી રહી છે. એવું કહેવાય છે કે હવે આ નવા કેસમાં પણ રાજ કુન્દ્રાની પૂછપરછ થઈ શકે છે. એજન્સીએ તેમની સામે લુકઆઉટ નોટિસ જારી કરી હોવાથી તેમને વિદેશ પ્રવાસ કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અંગે જ શિલ્પા શેટ્ટી જ્યારે કોર્ટમાં ગઈ ત્યારે તેને હાઈકોર્ટે કહ્યું કે, 60 કરોડ જમા કરાવ્યા પછી જ વિદેશ જઈ શકશો. આ કેસની તપાસ હાલમાં ચાલી રહી છે, અને આગામી થોડા દિવસોમાં તેમના પતિની પણ પૂછપરછ થવાની શક્યતા છે.
આ પણ વાંચો: શિલ્પા શેટ્ટીના ઘરે પહોંચી પોલીસ: રૂ.60 કરોડની છેતરપિંડી મામલે 5 કલાક પૂછપરછ
જાણો શું છે મામલો
મુંબઈના ઉદ્યોગપતિ દીપક કોઠારીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, 'રાજેશ આર્ય નામના વ્યક્તિએ મારો રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી સાથે પરિચય કરાવ્યો હતો, જે હોમ શોપિંગ અને ઓનલાઈન રિટેલ પ્લેટફોર્મ બેસ્ટ ડીલ ટીવી પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર હતા. તે સમયે શિલ્પા અને રાજ કુન્દ્રા કંપનીના 87.6% શેર ધરાવતા હતા. ત્યારબાદ લોન-કમ-ઈન્વેસ્ટમેન્ટ ડીલમાં મેં 60.48 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની કંપનીએ મને આ રકમ રોકાણ તરીકે ટ્રાન્સફર કરવા કહ્યું હતું અને માસિક વળતર અને મૂળ રકમ પરત આપવાનું વચન આપ્યું હતું.'
ઉલ્લેખનીય છે કે, શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના વકીલ પ્રશાંત પાટીલે એક પ્રેસ સ્ટેટમેન્ટ બહાર પાડીને આ તમામ આરોપોને ફગાવી દીધા. કંપની પાછળથી નાણાકીય મુશ્કેલીમાં મુકાઈ ગઈ અને પછી નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)માં લાંબી કાનૂની લડાઈમાં ફસાઈ ગઈ છે.