શિલ્પા શેટ્ટીના ઘરે પહોંચી પોલીસ: રૂ.60 કરોડની છેતરપિંડી મામલે 5 કલાક પૂછપરછ
Shilpa Shetty, Raj Kundra Fraud Case: બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા 60 કરોડ રૂપિયાના છેતરપિંડીના કેસમાં મુંબઈ પોલીસના રડાર પર છે. સૂત્રોના જણાવ્યાનુસાર, મુંબઈ પોલીસની EOW ટીમ સોમવારે (છઠ્ઠી ઓક્ટોબર) શિલ્પાના ઘરે પહોંચી હતી અને પાંચ કલાક સુધી તેની પૂછપરછ કરી હતી. પોલીસે આ કેસમાં બંનેના નિવેદનો નોંધ્યા હતા. પૂછપરછ દરમિયાન શિલ્પા શેટ્ટીએ પોલીસને તેની જાહેરાત કંપનીના બેન્ક ખાતામાં થયેલા કથિત વ્યવહારો વિશે માહિતી આપી હતી.
શિલ્પા અને રાજે પોતાના નિવેદનમાં શું કહ્યું?
અહેવાલો અનુસાર, શિલ્પા અને રાજ કુન્દ્રાએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે છેતરપિંડીના ફરિયાદી દીપક કોઠારીની માલિકીની NBFC પાસેથી 60 કરોડ રૂપિયાની લોન લેવામાં આવી હતી. આ લોનને પાછળથી કોઠારીની કંપનીમાં ઈક્વિટીમાં રૂપાંતરિત કરવામાં આવી હતી. આ રકમમાંથી 20 કરોડ રૂપિયાનો ઉપયોગ સેલિબ્રિટી પ્રમોશન, પ્રસારણ ખર્ચ અને અન્ય હેતુઓ માટે કરવામાં આવ્યો હતો. બિપાશા બાસુ અને નેહા ધૂપિયાને આ કામ માટે ચૂકવણી કરવામાં આવી હતી. રાજે પોલીસને પ્રમોશનના ફોટોગ્રાફ્સ પણ આપ્યા હતા.
છેતરપિંડીના કેસમાં શિલ્પાની ભૂમિકા શું છે?
સૂત્રોના જણાવ્યાનુસાર, શિલ્પા શેટ્ટી તપાસ હેઠળની કંપનીમાં એક મુખ્ય શેરહોલ્ડર છે. તેથી આ કેસમાં તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. પુરાવાઓથી જાણવા મળ્યું છે કે કંપનીમાં શેરહોલ્ડર હોવા છતાં શિલ્પાએ સેલિબ્રિટી ફી વસૂલ કરી હતી, જેને ખર્ચ તરીકે દર્શાવવામાં આવી હતી, જે ભંડોળના દુરુપયોગને દર્શાવે છે.
જાણો શું છે મામલો
મુંબઈના ઉદ્યોગપતિ દીપક કોઠારીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, 'રાજેશ આર્ય નામના વ્યક્તિએ મારો રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી સાથે પરિચય કરાવ્યો હતો, જે હોમ શોપિંગ અને ઓનલાઈન રિટેલ પ્લેટફોર્મ બેસ્ટ ડીલ ટીવી પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર હતા. તે સમયે શિલ્પા અને રાજ કુન્દ્રા કંપનીના 87.6% શેર ધરાવતા હતા. ત્યારબાદ લોન-કમ-ઈન્વેસ્ટમેન્ટ ડીલમાં મેં 60.48 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની કંપનીએ મને આ રકમ રોકાણ તરીકે ટ્રાન્સફર કરવા કહ્યું હતું અને માસિક વળતર અને મૂળ રકમ પરત આપવાનું વચન આપ્યું હતું.'
ઉલ્લેખનીય છે કે, શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના વકીલ પ્રશાંત પાટીલે એક પ્રેસ સ્ટેટમેન્ટ બહાર પાડીને આ તમામ આરોપોને ફગાવી દીધા. કંપની પાછળથી નાણાકીય મુશ્કેલીમાં મુકાઈ ગઈ અને પછી નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)માં લાંબી કાનૂની લડાઈમાં ફસાઈ ગઈ છે.