કંગનાની ઈમરજન્સીને 18 સપ્ટેમ્બર સુધી સેન્સર સર્ટિફિકેટ આપવા કોર્ટનો આદેશ

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
Kangana Ranaut


Emergency:  કંગના રનૌતની ઈમરજન્સીને ભારે વિવાદો વચ્ચે એક આશાનું કિરણ દેખાયું છે. ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝ લિમિટેડ દ્વારા દાખલ કરાયેલી અરજી પર કાર્યવાહી કરતા બોમ્બે હાઈકોર્ટે બુધવારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સેન્સર બોર્ડ)ને ઈમરજન્સી મૂવી સંબંધિત તમામ અરજીઓ પર નિર્ણય લેવા અને 18 સપ્ટેમ્બર સુધીમાં ફિલ્મને સર્ટિફિકેટ આપવાનો નિર્દેશ આપ્યો છે. 

મુંબઈ હાઈકોર્ટ સમક્ષ દાખલ કરાયેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે CBFCએ "ગેરકાયદેસર અને મનસ્વી રીતે" સર્ટિફિકેટ અટકાવ્યું છે. આ ફિલ્મ વિવાદમાં ફસાઈ છે કારણકે શિરોમણી અકાલી દળ સહિત શીખ સંગઠનોએ આરોપ લગાવ્યો છે કે તેમાં શીખ સમુદાય અને ઐતિહાસિક તથ્યોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે. પહેલા આ ફિલ્મ શુક્રવારે એટલે કે 6 સપ્ટેમ્બરે રીલિઝ થવાની હતી પરંતુ વિરોધ અને અન્ય રાજ્યની કોર્ટોમાં ફિલ્મ સંબંધિત કેસોને કારણે રીલિઝિંગ ટાળવામાં આવ્યું છે.

જબલપુર કોર્ટમાં પણ અરજી :

શીખ સમુદાયના કેટલાક લોકો અને પ્રતિનિધિઓએ ફિલ્મના કેટલાક દ્રશ્યોને લઈને ફિલ્મ સામે વાંધો ઉઠાવ્યો છે. તેમણે ફિલ્મ વિરૂદ્ધ પિટિશન દાખલ કરી અને સ્ક્રીનિંગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી જેના પર હાઈકોર્ટે વિચાર કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે કોર્ટે એમ પણ કહ્યું કે જો ફિલ્મ રીલિઝ થયા પછી પણ કોઈ વાંધો હોય તો અરજીકર્તાઓ કોર્ટમાં આવી શકે છે.

કંગના રનૌતની ફિલ્મ પર જબલપુર હાઈકોર્ટમાં થયેલ સુનાવણી દરમિયાન જણાવાયું કે ફિલ્મ માટે હાલમાં માત્ર ઓનલાઈન સર્ટિફિકેટ સીરીયલ નંબર જ જારી કરવામાં આવ્યો છે પરંતુ સેન્સર બોર્ડ દ્વારા હજુ સુધી સર્ટિફિકેટ આપવામાં આવ્યું નથી તેથી રીલિઝ પર પ્રતિબંધનો વિષય ઉભો થતો નથી. આ દલીલ સાંભળ્યા બાદ કોર્ટે અરજી રદ્દબાતલ કરી છે.

પંજાબમાં વિરોધ પ્રદર્શન

કંગનાની ઈમરજન્સીને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. પંજાબમાં આ ફિલ્મનો ભારે વિરોધ થઈ રહ્યો છે. શીખ સમુદાયના લોકોનું કહેવું છે કે ફિલ્મમાં તેમની ખોટી છબી બતાવવામાં આવી છે અને તથ્યોને વિકૃત કરવામાં આવ્યા છે. કંગના રનૌત 'ઇમરજન્સી'માં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો તે 1975માં દેશભરમાં લાગુ કરવામાં આવેલ 'ઇમરજન્સી' પર આધારિત છે. ફિલ્મમાં કંગના ઉપરાંત અનુપમ ખેર, શ્રેયસ તલપડે, મહિમા ચૌધરી પણ મહત્વના રોલમાં જોવા મળશે.

આ પણ વાંચો: કંગનાની ઈમર્જન્સીને મોદી સરકાર કેમ રીલીઝ થવા દેતી નથી ?


Google NewsGoogle News