'કિંગ'ના સેટ પર શાહરુખ ખાન ઈજાગ્રસ્ત થયો હોવાનો દાવો, સારવાર માટે અમેરિકા પહોંચ્યો?
Shah Rukh Khan Injured on King Movie Set: બોલિવૂડનો સુપરસ્ટાર શાહરૂખ ખાન પોતાની ફિલ્મો માટે સખત મહેનત કરવા માટે જાણીતો છે. જેના કારણે ઘણી વખત તેને ઈજા પણ થઈ છે. એવામાં એવી પણ અટકળો ચાલી રહી છે કે બોલિવૂડનો બાદશાહ તેની આગામી એક્શન ફિલ્મ 'કિંગ' ના શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો છે. 59 વર્ષીય શાહરૂખ ખાન મુંબઈના ગોલ્ડન ટોબેકો સ્ટુડિયોમાં ફિલ્મ કિંગના એક્શન સિક્વન્સનું શૂટિંગ કરી રહ્યો હતો, જે દરમિયાન તે ઈજાગ્રસ્ત થયો અને સારવાર માટે અમેરિકા ગયો હોવાની ચર્ચા ચાલી રહી છે.
શાહરૂખ 'કિંગ'ના સેટ પર થયો ઈજાગ્રસ્ત
શાહરૂખ ખાનના ઈજાગ્રસ્ત થવા બાબતે એવું કહેવામાં આવ્યું હતું કે મુંબઈના ગોલ્ડન ટોબેકો સ્ટુડિયોમાં એક એક્શન સીનનું શૂટિંગ કરતી વખતે આ અકસ્માત થયો હતો, ત્યારબાદ તેને સારવાર માટે અમેરિકા લઈ જવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ, 'ઈજાની ચોક્કસ વિગતો હાલ ગુપ્ત રાખવામાં આવી છે, પરંતુ શાહરૂખ તાત્કાલિક તબીબી સારવાર માટે તેની ટીમ સાથે અમેરિકા ગયો છેએવી અટકળો ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેની સર્જરી પણ થઈ છે. ડૉક્ટરે સર્જરી પછી શાહરૂખને કામમાંથી એક મહિનાનો રેસ્ટ લેવાની સલાહ આપી છે.' રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ફિલ્મનું શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે અને આગામી શેડ્યૂલ હવે સપ્ટેમ્બર અથવા ઑક્ટોબરમાં શરૂ થશે.
24 જૂન શૂટિંગનો છેલ્લો દિવસ હતો
આ દરમિયાન ફિલ્મ 'કિંગ' સાથે સંકળાયેલા એક સુત્રો શાહરૂખના ઈજાગ્રસ્ત થયા હોવાના દાવાઓને નકારી કાઢ્યા હતા અને કહ્યું કે, 'કોઈને ઈજા થઈ નથી. આ બધું ખોટું છે. મને ખબર નથી કે લોકો પુષ્ટિ કર્યા વિના આવી વાતો કેવી રીતે ફેલાવી રહ્યા છે.'
તેમણે વધુમાં કહ્યું, 'તે સ્ટુડિયોમાં શૂટિંગ પૂરું કર્યાને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. ફિલ્મનું શૂટિંગ સારી રીતે થયું હતું. કોઈને કોઈ સમસ્યા કે ઈજા થઈ ન હતી. અમે 29 મે થી 12 જૂન સુધી ત્યાં શૂટિંગ કર્યું અને ત્યારબાદ ટીમ મહેબૂબ સ્ટુડિયોમાં શિફ્ટ થઈ ગઈ, જ્યાં 24 જૂન શૂટિંગનો છેલ્લો દિવસ હતો. ત્યારથી અમે શાહરૂખ સાથે ત્રણ મોટા શેડ્યૂલ શૂટ કર્યા છે. હવે શૂટિંગ વિદેશી સ્થળોએ અને પછી નવેમ્બર-ડિસેમ્બરમાં ભારતમાં ફરીથી થશે.'
આ પણ વાંચો: સલમાન ખાનની એક્સ GF સંગીતાના ફાર્મહાઉસમાં કિંમતી સામાનની ચોરી, CCTV પણ તોડી નાંખ્યા
'કિંગ'ના સેટ પર કંઈ થયું નથી
શાહરૂખને કોઈ બીજી ફિલ્મના સેટ પર ઈજા થઈ હોવાનું પૂછતાં જાણવા મળ્યું કે, 'જો શાહરૂખને ખરેખર ઈજા થઈ છે, તો તે ફિલ્મ 'કિંગ'ના સેટ પર નથી. ખાસ કરીને ગોલ્ડન ટોબેકો સ્ટુડિયોમાં તો નહીં. આ ફિલ્મના સેટ પર અત્યાર સુધી કંઈ થયું નથી.'
જોકે શાહરૂખ ખાન કે પ્રોડક્શન હાઉસ દ્વારા આ સંદર્ભમાં કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.