For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બર્થ-ડે સ્પેશ્યલ : સલમાને ઘણી વખત કહ્યું, બંગલામાં શિફ્ટ થઈએ, પણ મને અહીં જ ગમે છે : સલીમ ખાન

ફિલ્મલેખક તરીકે એમની સિદ્ધિઓ લાર્જર-ધેન-લાઇફ

Updated: Nov 24th, 2022

Article Content Image

અમદાવાદ,તા.24-11-2022, ગુરુવાર 

સલીમ ખાન સાથે સંકળાયેલું બધું લાર્જર-ધેન-લાઇફ જ હોવાનું. ફિલ્મલેખક તરીકે એમની સિદ્ધિઓ લાર્જર-ધેન-લાઇફ. એમના સૌથી મોટા દીકરા સલમાનનું સ્ટાર સ્ટેટસ લાર્જર-ધેન-લાઇફ અને એમનો ચુસ્તદુરસ્ત જીવનપટ પણ લાર્જર-ધેન-લાઇફ. સલીમ ખાનનો આજે બર્થડે છે. આજે, 2022ની 24 નવેમ્બરે, તેમણે 87 વર્ષ પૂરાં કરીને 88મા વર્ષમાં પ્રવેશ કર્યો. જી, બિલકુલ. 88મું વર્ષ!

મુંબઈમાં બાંદ્રા સ્થિત બેન્ડ સ્ટેન્ડના દરિયાકાંઠે સલીમ ખાનને વૉક લેતા જોવા એક લહાવો છે. કોઈ પણ વ્યક્તિ એમની પાસે જઈને હાય-હેલો કરી શકે, વાતો કરી શકે, સેલ્ફી પડાવી શકે. પોતે એક લેજન્ડરી રાઇટર છે એ હકીકતનો એમના વાણી-વર્તાવમાં કોઈ ભાર ન હોય. બહુ જ શાલીનતાથી અને સ્મિતપૂર્વક તેઓ તમારી સાથે વાતો કરશે, સેલ્ફી પડાવશે. પાકી ઉંમરે પણ એમના ચહેરાની ફુલગુલાબી ત્વચા ચળકતી હોય.

સલીમ-જાવેદની દંતકથારૂપ બની ગયેલી જોડી પૈકીના સલીમ ખાન વિશે પુષ્કળ લખાયું-કહેવાયું છે. હિન્દી સિનેમામાં સલીમ-જાવેદની કક્ષાના સુપરસ્ટાર રાઇટર્સ પછી આવ્યા નથી! સલીમ ખાનની વાતોએ બોલિવુડના લેખકોની કેટલીય પેઢીઓને સતત પ્રેરણા આપી છે. માત્ર સિનેમાવિષયક વાતો જ નહીં, એમની સીધીસાદી જીવનવિષયક વાતોમાં પણ પુષ્કળ ઊંડાણ હોય. જેમ કે, આ કિસ્સો. લગભગ છએક વર્ષ પહેલાં દીકરા અરબાઝનો એમના પર ફોન આવ્યો. અરબાઝ કહેઃ ડેડી, હું ટેટૂ આર્ટિસ્ટ પાસે બેઠો છું. હું શું ટેટૂ કરાવું? સલીમસાહેબ કહેઃ ‘લે! તું કશું વિચાર્યા-કર્યા વિના ટેટૂ કરાવવા પહોંચી ગયો? હવે સાંભળ, તારા ખભા પર આ વાક્ય લખાવ – ‘લવ ઇચ અધર ઓર પેરિશ’ (કાં એકબીજાને સહન કરો અથવા સજા ભોગવો). જિંદગી જીવવાનો આના સિવાય બીજો કોઈ રસ્તો જ નથી.’

સલીમ ખાન અને એમનો આખો પરિવાર મુંબઈમાં બેન્ડ સ્ટેન્ડ પર ‘ગેલેક્સી’ નામની બિલ્ડિંગમાં રહે છે. આ બિલ્ડિંગ સી-ફેસિંગ ખરી, પણ આ એક ખાસિયતને બાદ કરો તો તે એટલી મામૂલી છે કે આપણને નવાઈ લાગે. આપણને થાય કે સલમાન ખાન જેવો ભારતનો મેગાસ્ટાર સાવ આવા સાધારણ ફ્લેટમાં રહે છે? ‘ઝંઝીર’ ફિલ્મ હિટ થઈ પછી, 1973માં, સલીમ ખાન આ બિલ્ડિંગમાં રહેવા આવ્યા હતા. બસ, 49 વર્ષથી તેઓ આ જ ઘરમાં રહે છે. સલમાને કેટલીય વાર સમજાવ્યા કે ડેડી, આપણે કોઈ બંગલામાં કે પેન્ટહાઉસમાં શિફ્ટ થઈ જઈએ, પણ સલીમ ખાન માને તોને!

‘હું અહીં રહું છું એટલે સલમાને પણ અહીં રહેવું પડે છે,’ સલીમ ખાન હસી પડે છે. આસાનીથી મુક્તમને હસી શકવું તે એમના વ્યક્તિત્ત્વની આકર્ષક છટા છે. તેઓ કહે છે, ‘સલમાન આવડો મોટો સ્ટાર છે, પણ એ માંડ હજાર સ્કેવર ફૂટ જેટલી જગ્યામાં રહે છે. એમાંય એના અડધા રૂમમાં તો જિમનાં સાધનો ખડકાયેલાં છે.’

‘ગેલેક્સી’ બિલ્ડિંગથી તમે સહેજ આગળ તાજ લેન્ડ્સ એન્ડ હોટલ તરફ જાઓ એટલે શાહરૂખ ખાનનો ભવ્ય ‘મન્નત’ બંગલો આવે. આમિર ખાનનો સી-ફેસિંગ ફ્લેટ પણ આ જ રોડ પર છે. ટૂંકમાં, ત્રણેય ખાન સુપરસ્ટાર્સ એકબીજાથી થોડી મિનિટોના અંતરે રહે છે.

સલીમ ખાનની ઓર એક વાત વિશેષ ધ્યાન ખેંચે તેવી વાત એ છે કે તેઓ વાત કરતી વખતે ક્યારેય ઢાંકપિછોડા નહીં કરે. સલમાનના જેલવાસની વાત હોય કે જાવેદ અખ્તરથી છૂટા પડવાની વાત હોય - તેઓ સાવ સહજ રહેશે. સલીમસાહેબ કહે છે, ‘આજે જે રીતે ‘જિહાદ’ શબ્દ વપરાય છે તે મને તો સમજાતો જ નથી. જિહાદ એટલે ખરેખર તો આંતરિક યુદ્ધ. તમારી જે નબળાઈઓ છે તેની સામેનું યુદ્ધ. તમે સિગારેટ કે દારૂના બંધાણી હો ને જો તમે એને છોડવાનો પ્રયત્ન કરતા હો તો એ જિહાદ છે. જિહાદ તો પોતાની જાતને, પોતાના વ્યક્તિત્ત્વને સુધારવાની પ્રક્રિયા છે.’

કેટલી સરસ વાત. જો દુનિયાભરના લોકો સલીમસાહેબ કહે છે એવી જિહાદ પર ઉતરી આવે તો આ પૃથ્વી ખરેખર સ્વર્ગ બની જાય.

હેપી બર્થડે, સલીમસાહેબ. તમે સેન્ચુરી પૂરી કરો ત્યાં સુધી તમારે બિલકુલ તાજામાજા રહેવાનું છે – શરીરથી અને મનથી, બન્ને રીતે.

Gujarat