'ભાઈ તમને કામ મળ્યું?', ગંભીર આરોપ લગાવનારા અભિનવ કશ્યપને સલમાન ખાનનો જવાબ

Salman Khan on Abhinav Kashyap: 'બિગ બોસ 19' ના વીકેન્ડ કા વાર એપિસોડમાં સલમાન ખાન ફરી એકવાર 'દબંગ'ના ડિરેક્ટર અભિનવ કશ્યપ પર પોતાની ભડાશ કાઢતો જોવા મળ્યો હતો. અભિનવે ઘણા પોડકાસ્ટમાં જઈને સલમાન અને તેના પરિવાર પર આકરા આરોપો લગાવ્યા હતા. આટલું જ નહીં પરંતુ તેણે સલમાનને બદતમીઝ અને ગુંડો સુદ્ધાં કહી દીધો હતો. એવામાં સલમાન ખાને નામ લીધા વિના ડિરેક્ટર અભિનવ કશ્યપ પર નિશાન સાધ્યું છે.
સલમાન ખાને શું કહ્યું?
સ્ટેન્ડઅપ કોમેડિયન રવિ ગુપ્તાએ સલમાનના કામની પ્રશંસા કરી અને કહ્યું, 'દુનિયાની સામે પોતાની ભૂલોને જે સ્વીકારી લે, તેને સલમાન ખાન કહેવાય.' ત્યારે સલમાન ખાને કહ્યું, 'કામ પરથી યાદ આવ્યું, આપણી પાસે એક બીજો ડિરેક્ટર છે. દબંગ માણસ છે, તાજેતરમાં જ તેણે મારી સાથે સાથે આમિર ખાન અને શાહરુખ ખાનને પણ લપેટમાં લઈ લીધા છે. હું તેમને ફક્ત એટલું જ પૂછવા માંગુ છું કે ગયા વીકેન્ડ કા વારમાં મેં એમ જ પૂછ્યું હતું કે, કામ કરો યાર, કોઈને તમારી વાતોમાં રસ નથી. હવે હું ફરી તેમને પૂછવા માંગુ છું કે કામ મળ્યું કે નહીં ભાઈ? અને આવી હરકત કર્યા પછી દરેકની બુરાઈ કરશો તમે? જેમના નામ તમે લઈ રહ્યા છો, તે તો લાઇફમાં તમારી સાથે કામ નહીં કરે. જે તેમની સાથે જોડાયેલા છે, તે પણ નહીં કરે.'
સલમાને આગળ કહ્યું, 'જ્યારે મેં તમને બીજી મૂવી ઑફર કરી તો તમે બોલ્યા કે નહીં કરીએ. જે વખાણના પુલ બાંધવામાં આવી રહ્યા હતા, તે બધા તમે ડિસ્ટ્રોય કરી દીધા. મને ખરાબ માત્ર એક વાતનું લાગી રહ્યું છે કે તમે પોતાનો જ વિનાશ કરી નાખ્યો છે. જો કોઈ પરિવારની પાછળ પડવું હોય તો પોતાના પરિવારની પાછળ પડો, તમારા ભાઈની પાછળ પડો, તેને પ્રેમ કરો. માતા-પિતા, પત્ની, પોતાના બાળકોને પ્રેમ કરો. આટલું તો બને જ છે યાર. તેઓ તમારા વિશે ચિંતા કરતા હશે. જો કોઈ તમને સલાહ આપે છે તો વિચારીને બોલજો. હું તમને ગ્રો કરતા જોવા માંગુ છું, તમે ખૂબ જ ટેલેન્ટેડ છો, સારું લખો છો. આ ગલીમાં ન જાવ, પાછા હાઇવે પર આવો.'
આ પછી કોમેડિયન રવિ ગુપ્તાએ કહ્યું, 'આ એપિસોડ પછી તેમનો એક બીજો ઇન્ટરવ્યુ આવી જશે.' સલમાને જવાબ આપ્યો, 'આવી જશે, ઉપરવાળો જ કરશે તમારા માટે અને દોસ્ત, તમે મને ઘૂંટણિયે લાવવા માંગો છો ને, હું રોજ સવારે ઘૂંટણિયે જાઉં છું, માત્ર ઉપરવાળા (ભગવાન) માટે.'
આ પણ વાંચો: અરિજીત સિંહ સાથેના વિવાદ અંગે સલમાને તોડ્યું મૌન, કહ્યું - મારી તરફથી જ ગેરસમજ...
અભિનવ કશ્યપે શું કહ્યું હતું?
એક ઇન્ટરવ્યુમાં અભિનવ કશ્યપે કહ્યું હતું કે, 'સલમાને પોતાની ફિલ્મો 'વૉન્ટેડ' અને 'તેરે નામ'ના કારણે છિછોરા અને મવાલીની ઈમેજ બનાવી લીધી હતી.' આ પહેલા અભિનવ કશ્યપે આગળ કહ્યું હતું, 'સલમાન ખાન અને તેમના પરિવાર વિશે મારો અભિપ્રાય એ જ છે. તેઓ સામાન્ય માણસ નથી. તેઓ ગુનેગાર છે. તે જામીન પર બહાર છે. તે દોષિત છે. ગુનેગાર, ગુનેગાર જ હોય છે.' તાજેતરમાં અભિનવે શાહરુખ ખાન પર આરોપ લગાવ્યો હતો કે, 'શાહરુખ ખાને દુબઈ જતું રહેવું જોઈએ. તે માત્ર સમાજ પાસેથી લે છે, બદલામાં કંઈ આપતો નથી.'

