અરિજીત સિંહ સાથેના વિવાદ અંગે સલમાને તોડ્યું મૌન, કહ્યું - મારી તરફથી જ ગેરસમજ...

Salman Khan-Arijit Singh Controversy: રિયાલિટી શો 'બિગ બોસ 19'માં બોલિવૂડ અભિનેતા સલમાન ખાને ગાયક અરિજીત સિંહ સાથેના વિવાદની ચર્ચા કરી હતી. તેમણે સ્વીકાર્યું કે, 'મારાથી ગેરસરજ થઈ હતી.' બિગ બોસ 19માં મહેમાન બનેલા કોમેડિયન રવિ ગુપ્તાએ આ ઘટના પર પ્રતિક્રિયા આપી.
સલમાન ખાને અરિજીત સિંહ વિશે શું કહ્યું?
બોલિવૂડ અભિનેતા સલમાન ખાને રવિ ગુપ્તાને પૂછ્યું, 'શું તમે ક્યારેય મારી મજાક ઉડાવી?' રવિ ગુપ્તાએ તરત જ ઈનકાર કરતા કહ્યું કે, 'મને તમારો સામનો કરવામાં ડર લગા છે.' ત્યારે સલમાન ખાને પૂછ્યું કે, કેમ?. જવાબમાં રવિ ગુપ્તાએ કહ્યું કે, 'કારણ કે હું અરિજીત સિંહ જેવો દેખાઉં છું.' સલમાન ખાને સ્પષ્ટતા કરી કે તે અને અરિજીત સિંહ હવે ખૂબ સારા મિત્રો બની ગયા છે.
અરિજીત સિંહ અંગે સલમાન ખાને કહ્યું કે, 'અરિજીત અને હું હવે ખૂબ સારા મિત્રો છીએ. તે એક ગેરસમજ હતી અને તે મારા તરફથી હતી. ત્યારબાદ અરિજીત સિંહે મારા માટે ગીતો પણ ગાયા છે. મારી સાથે ટાઈગરમાં કામ કર્યું હતું, અને તે ગલવાન પર કામ કરી રહ્યો છે.' આ દરમિયાન રવિ ગુપ્તાએ કહ્યું, 'મને ખુશી છે કે હવે બધું ઉકેલાઈ ગયું છે.'
આ પણ વાંચો: રણવીર અને શ્રીલીલાની ફિલ્મનું શૂટિંગ પૂરું પણ ટાઈટલ નક્કી નહીં
શું હતો વિવાદ?
ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન અને અરિજીત સિંહના સંબંધોમાં 2014માં ખટાશ આવી ગઈ હતી. એક એવોર્ડ શોમાં અરિજીતને શ્રેષ્ઠ ગાયકનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ લેવા માટે તે કેઝ્યુઅલ પોશાક અને ચંપલ પહેરીને સ્ટેજ પર પહોંચ્યો હતો. સલમાન ખાન શો હોસ્ટ કરી રહ્યો હતો. તેમણે અરિજીતને પૂછ્યું, "શું તું સૂઈ ગયો?" જેના જવાબમાં અરિજીતએ કહ્યું, 'તમે લોકોએ જ મને સૂવડાવી દીધો.'
આના પર સલમાન ખાને જવાબ આપ્યો કે, 'એ મારી ભૂલ નથી. તમારું ગીત 'તુમ હી હો' વાગી રહ્યું છે, અને લોકો સૂઈ રહ્યા છે.' આના કારણે અરિજીત સિંહના સલમાન સાથેના સંબંધો બગડ્યા હતા. સલમાને તેની ફિલ્મો બજરંગી ભાઈજાન અને સુલતાનમાંથી અરિજીત સિંહના બધા ગીતો કાઢી નાખ્યા. 2016માં અરિજીત સિંહે સલમાન ખાનને માફી પત્ર લખ્યો. ત્યારબાદ 2023માં બંનેના સંબંધોમાં સુધારો થયો. અરિજિતે 'ટાઈગર 3'માં સલમાન ખાન માટે ગીત ગાયું હતું.

