બાબિલ ખાનનું અનેક મહિના બાદ સોશિયલ મીડિયા પર પુનરાગમન

- પોતે સારવાર લઈ રહ્યાનું ગોળ ગોળ ભાષામાં જણાવ્યું
- છેલ્લા વીડિયોમાં અનેક કલાકારો વિશે બેફામ શબ્દોમાં લખ્યું હતું
મુંબઈ: બાબીલ ખાન મહિનાઓ બાદ સોશિયલ મીડિયા પર પાછો ફર્યો છે. તેણે ગોળ ગોળ ભાષામાં એક લાંબીલચક પોસ્ટ લખી છે. તેનો અર્થ એવો કાઢવામાં આવી રહ્યો છે કે તે એક લાંબી પીડાદાયક અવસ્થામાંથી પસાર થઈ રહ્યો છે અને હાલ તે સારવાર લઈ રહ્યો છે.
આ પહેલાં બાબીલ ખાને તેના છેલ્લા વીડિયોમાં બોલીવૂડ વિશે આકરા શબ્દો લખ્યા હતા અને અનેકે બોલીવૂડ સેલિબ્રિટીઓનાં નામ લઈ તેમના વિશે બેફામ નિવેદનો કર્યાં હતાં. જોકે, તેમાંથી મોટાભાગના સેલિબ્રિટીઓએ માઠું લગાડયા વિના તેને સપોર્ટ કર્યો હતો. તે પછી બાબીલની માતા સુતપાએ પણ બાબીલ કેટલીક માનસિક મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું.
હવે બાબીલનું સોશિયલ મીડિયા પર પુનરાગમન થતાં વિજય વર્મા, અપારશક્તિ ખુરાના, ગુલશન દેવૈયા સહિતના અનેક કલાકારોએ તેને આવકાર્યો છે અને શુભેચ્છાઓ પાઠવી છે.









