Get The App

ત્રણ વર્ષ અને રૂ.2156 કરોડમાં તૈયાર થયેલી ફિલ્મ અવતાર-3નું ટ્રેલર રિલીઝ, પેંડોરામાં દેખાયો નવો ખતરનાક દુશ્મન

Updated: Jul 29th, 2025

GS TEAM

Google News
Google News
'Avatar: Fire and Ash' trailer Out


'Avatar: Fire and Ash' trailer Out: જેમ્સ કેમરૂનની પ્રખ્યાત ફિલ્મ 'અવતાર'નો ત્રીજો ભાગ, 'અવતાર: ધ ફાયર એન્ડ ધ એશ', આ ક્રિસમસ પહેલા 19 ડિસેમ્બર, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં દર્શકોને એક નવો વિલન, જબરદસ્ત ફાઈટીંગ સીન અને અદભૂત વિઝ્યુઅલ્સ જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જે જોઇને ફેન્સમાં ફિલ્મની લઈને ઉત્સુકતા વધી રહી છે. 

ટ્રેલરમાં જોવા મળ્યા દિલધડક દ્રશ્યો

'અવતાર: ફાયર એન્ડ એશ'ના ટ્રેલરમાં પેંડોરાની દુનિયાનું એક નવું અને ખતરનાક પ્રકરણ શરૂ થતું દેખાય છે. આ વખતે વાર્તામાં 'એશ પીપલ' નામનો એક રહસ્યમય સમુહ સામેલ થયો છે. ટ્રેલરમાં જેક સુલી અને તેનો પરિવાર મેટકેયના કબીલા સાથે મળીને વરંગ અને તેની સેના સામે લડતા જોવા મળે છે. ખાસ વાત એ છે કે હવે વરંગે ક્વારિચ (સ્ટીફન લેંગ) સાથે હાથ મિલાવ્યા છે. ટ્રેલરની સૌથી ચોંકાવનારી ઝલક એ છે કે વરંગ પાસે આગને કંટ્રોલ કરવાની શક્તિ છે. તેની શક્તિથી પેંડોરાના લીલાછમ જંગલો સળગતા દેખાય છે, જે ફિલ્મમાં આવનારા ભયની ઝલક આપે છે.

જૂના ચહેરાઓ પાછા ફરશે, નવો વિલન પણ છે ખાસ

'અવતાર: ફાયર એન્ડ એશ' માં સેમ વર્થિંગ્ટન અને ઝો સલદાના ફરી એકવાર જેક અને નેયતિરીના પાત્રમાં જોવા મળશે. તેમની સાથે સિગૌર્ની વીવર, સ્ટીફન લેંગ, કેટ વિન્સલેટ સહિત ઘણા કલાકારો પાછા ફરી રહ્યા છે. આ વખતે ફિલ્મમાં ઊના ચેપલિન દ્વારા ભજવાયેલ વરંગ નામનો એક નવો વિલન પણ જોવા મળશે. ઉપરાંત, ડેવિડ થેવલિસ અને મિશેલ યોહ જેવા પ્રખ્યાત કલાકારો પણ પહેલીવાર આ ફિલ્મમાં જોડાઈ રહ્યા છે.


2024ના D23 એક્સ્પોમાં નિર્દેશક જેમ્સ કેમરૂને ફિલ્મ વિશે કહ્યું હતું કે, 'આ ફિલ્મ એક જબરદસ્ત રોમાંચ અને શાનદાર અનુભવ હશે, પરંતુ તે પહેલા કરતા વધુ ભાવનાત્મક પણ હશે. અમે તે બધા પાત્રોને એક પડકારજનક દુનિયામાં લઈ જઈ રહ્યા છીએ જેને દર્શકો જાણે છે અને પ્રેમ કરે છે.'

આ પણ વાંચો: છાવાનો રેકોર્ડ તોડશે સૈયારા? બોક્સ ઓફિસ પર દબદબો, કુલ કમાણી રૂ.250 કરોડને પાર

'અવતાર 3'નું બજેટ 2100 કરોડ રૂપિયા, 19 ડિસેમ્બરે રિલીઝ થશે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'અવતાર 3' ફિલ્મ બનાવવામાં આશરે 2100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ મોટા બજેટની ફિલ્મ ભારતમાં 19 ડિસેમ્બરના રોજ અંગ્રેજી, હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ થશે.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મના પહેલા ભાગે લગભગ 25 હજાર કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે બીજા ભાગને પણ જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો અને તેણે લગભગ 20 હજાર કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. હવે જોવું રહ્યું કે 'અવતાર 3' પહેલા બે ભાગથી આગળ નીકળી શકે છે કે નહીં.

ત્રણ વર્ષ અને રૂ.2156 કરોડમાં તૈયાર થયેલી ફિલ્મ અવતાર-3નું ટ્રેલર રિલીઝ, પેંડોરામાં દેખાયો નવો ખતરનાક દુશ્મન 2 - image

Tags :