AR Rahman: ઈમ્તિયાઝ અલીની ફિલ્મ 'રોકસ્ટાર'નું સૌથી પ્રખ્યાત સીન એ છે જેમાં રણબીર કપૂરનું પાત્ર જોર્ડન સમજે છે કે એક સાચો કલાકાર ત્યારે જ શાનદાર સંગીત બનાવી શકે છે, જ્યારે તેમણે જીવનમાં પીડા સહન કરી હોય. ફિલ્મનું આખું આલ્બમ એ.આર. રહેમાને કંપોઝ કર્યું હતું અને રહેમાનનું પોતાનું જીવન બાળપણથી જ પીડા અને પડકારોથી ભરેલું રહ્યું છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં રહેમાને જણાવ્યું કે, નાની ઉંમરે પિતા ગુમાવવાથી મારા જીવન પર શું અસર પડી હતી અને મારી માતાએ મારી મ્યૂઝિકલ જર્નીમાં કેટલો મોટો રોલ નિભાવ્યો.
રહેમાનનું બાળપણ
રહેમાન તાજેતરમાં જ નિખિલ કામથના પોડકાસ્ટમાં નજર આવ્યો હતો. તેને પૂછવામાં આવ્યું કે, ચેન્નાઈમાં તમારું બાળપણ કેવું પસાર થયું. રહેમાને કહ્યું કે, 'મેં મારા જીવનનો મોટાભાગનો સમય ચેન્નાઈમાં જ વિતાવ્યો છે. મારો જન્મ ત્યાં જ થયો હતો, મારા પિતા એક સ્ટુડિયોમાં કામ કરતા હતા. અમે કોડમ્બક્કમ નજીક રહેતા હતાજ્યાં બધા સ્ટુડિયો હતા.'
પિતાનું અકાળે મૃત્યુ થયું
એઆર રહેમાને પછી તેમના પિતા આરકે શેખર વિશે જણાવ્યું કે, 'કેવી રીતે પિતાની મહેનતે તેમનું સ્વાસ્થ્ય ખરાબ કરી દીધું અને તેમનું અકાળ મૃત્યુ થયું. મારા માતા-પિતાને તેમના પોતાના પરિવારે જ ઘરમાંથી કાઢી મૂક્યા હતા. તેઓ ભાડાના મકાનમાં રહેવા લાગ્યા અને મારા પિતાએ અમને અમારું પોતાનું ઘર અપાવવા માટે દિવસ-રાત મહેનત કરતા રહ્યા. તેમણે એક સાથે ત્રણ નોકરીઓ કરતા હતા અને તેના કારણે તેમનું સ્વાસ્થ્ય ખરાબ થઈ ગયું. તેઓ પોતાના છેલ્લા શ્વાસ સુધી કામ કરતા રહ્યા. આ જ મારા બાળપણનો સૌથી ખરાબ સમય હતો. આ ટ્રોમામાંથી બહાર આવવામાં ઘણો સમય લાગ્યો.'
મારી માતાએ એકલા હાથે 4 બાળકોનો ઉછેર કર્યો
ત્યારબાદ તેણે પોતાની માતાની પ્રશંસા કરી જેમણે પતિ વિના એકલા હાથે ચાર બાળકોને ઉછેરવામાં સફળતા મેળવી. રહેમાને કહ્યું કે, 'હું જ્યારે મોટો થઈ રહ્યો હતો ત્યારે ઘણું બધું જોયું. મારા પિતા અને દાદીનું નિધન થયું. જ્યારે આ બધું બન્યું ત્યારે હું માત્ર નવ વર્ષનો હતો. હું દરરોજ ટ્રોમા જોતો હતો. મારી માતા સિંગલ મધર હતી પરંતુ તે ખૂબ જ આત્મવિશ્વાસુ મહિલા હતી. તેમણે બધી મુશ્કેલીઓ ખુદ સહન કરી. અમને બચાવવા માટે તેમેણે ઘણું-બધું સહન કર્યું. તે એક ખૂબ જ મજબૂત મહિલા હતી જેણે દરેક પ્રકારના અપમાન સહન કર્યા અને એકલા હાથે અમને ઉછેર્યા.'
સંગીતની દુનિયામાં પ્રવેશવાનો નિર્ણય મારી માતાનો હતો
રહેમાને ખુલાસો કર્યો કે, સંગીતની દુનિયામાં પ્રવેશવાનો નિર્ણય પણ મારી માતાએ જ કર્યો હતો. આ સાથે જ તેમણે એ પણ સ્વીકાર્યું કે સંગીત પ્રત્યેના મારા સંપૂર્ણ સમર્પણના કારણે મેં સામાન્ય બાળપણની ઘણી બાબતો મિસ કરી. મારી માતાએ જ નક્કી કર્યું કે મારે સંગીતમાં જવું જોઈએ અને મને પ્રોત્સાહન આપ્યું. ત્રણ બહેનો હોવાના કારણે મને લાગતું હતું કે મારે ખૂબ જ સ્વચ્છ રહેવું જોઈએ, કારણ કે મારું વર્તન બહાર પણ દેખાતું હતું. મારું આખું બાળપણ સ્ટુડિયોમાં 40-50 વર્ષની ઉંમરના લોકો સાથે સંગીત વગાડવામાં વિત્યું. સ્કૂલમાં મિત્રો સાથે મસ્તી, કોલેજનો માહોલ, બધું મિસ કરી દીધું. ઘણું બધુ છૂટી ગયું પરંતુ મને સ્ટુડિયોમાં ખૂબ જ સમજદાર અને બુદ્ધિશાળી લોકો સાથે સમય વિતાવવાની તક મળી.'
આ પણ વાંચો: આ કેવું સીઝફાયર? ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા, 20 પેલેસ્ટિનિએ ગુમાવ્યા જીવ
1992માં ડેબ્યૂ કર્યા બાદ એ.આર. રહેમાને દેશના કેટલાક સૌથી આઈકોનિક સાઉન્ડટ્રેક્સ આપ્યા છે. તેને પાંચ ઓસ્કાર નોમિનેશન મળ્યા છે અને બે ઓસ્કર જીતી ચૂક્યો છે.


