Image Source: Twitter
Israel Airstrikes In Gaza: સીઝફાયર વચ્ચે ઈઝરાયલે ગાઝામાં ફરી હવાઈ હુમલા કર્યા છે. આ હુમલામાં 20 લોકોના મોત થયા છે. સ્થાનિક આરોગ્ય અધિકારીઓએ શનિવારે જણાવ્યું કે, આ હુમલામાં 80થી વધુ લોકો ઘાયલ થયા છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, પહેલો હુમલો રિમલ વિસ્તારમાં એક કાર પર થયો હતો, જેના કારણે તેમાં આગ લાગી ગઈ હતી. આ હુમલામાં પાંચ લોકોના મોત થઈ ગયા છે.
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા
બે વર્ષના યુદ્ધ બાદ 10 ઓક્ટોબરે ઈઝરાયલ અને હમાસ વચ્ચે અમેરિકાની મધ્યસ્થીથી થયેલા યુદ્ધવિરામ કરાર પછી શનિવારનો દિવસ સૌથી ઘાતક દિવસોમાંથી એક હતો.
કાર હુમલાના થોડા સમય બાદ ઈઝરાયલે દેર અલ-બલાહ શહેર અને નુસેરત કેમ્પમાં બે ઘરો પર બે અલગ-અલગ હવાઈ હુમલા કર્યા, જેમાં 10 લોકો માર્યા ગયા. શનિવારે જ પશ્ચિમ ગાઝામાં એક ઘર પર ઈઝરાયલી હવાઈ હુમલામાં પાંચ પેલેસ્ટિનિઓ માર્યા ગયા હતા. ઘટનાસ્થળ પર હાજર એક ફોટોગ્રાફરે પસાર થતા લોકોને બળી ગયેલી કારના કાટમાળ તરફ જતા જોયા અને બાળકો અંદરથી ખાવાનું નીકાળવાનો પ્રયાસ કરતા દેખાયા.
ઈઝાયલે હમાસ પર યુદ્ધવિરામ કરારના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો
ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના કાર્યાલયે હમાસ પર યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. ઈઝરાયલી સેનાએ કહ્યું કે, એક બંદૂકધારી ઈઝરાયલી કબજા હેઠળના ગાઝાના વિસ્તારમાં ઘૂસી ગયો જ્યાંથી માનવતાવાદી સહાય દક્ષિણ ગાઝા સુધી પહોંચે છે. ઈઝરાયલે તેને યુદ્ધવિરામનું ખુલ્લેઆમ ઉલ્લંઘન ગણાવ્યું હતું.
આ પણ વાંચો: અમેરિકામાં ટ્રમ્પ સામે મોટાપાયે દેખાવ, 'ઈમ્પીચ, કન્વિક્શન એન્ડ રિમૂવ...'ની નારેબાજી
ઈઝરાયલે કહ્યું કે, યુદ્ધવિરામ કરારના ઉલ્લંઘનના જવાબમાં ગાઝા પર આ હુમલાઓ કરવામાં આવ્યા છે. હમાસે ઈઝરાયલી સેનાના આરોપોને ફગાવી દીધા. બે વર્ષ લાંબા ગાઝા યુદ્ધ પછી 10 ઓક્ટોબરે યુદ્ધવિરામ પર હસ્તાક્ષર થયા હોવા છતાં હિંસા સંપૂર્ણપણે બંધ નથી થઈ.
અમે યુદ્ધવિરામનું સંપૂર્ણ સન્માન કર્યું: ઈઝરાયલ
ઈઝરાયલે જણાવ્યું કે, અમે યુદ્ધવિરામનું સંપૂર્ણ સન્માન કર્યું છે, હમાસે નથી કર્યું. યુદ્ધવિરામ દરમિયાન હમાસના ડઝનબંધ આતંકવાદીઓએ અમારા સૈનિકો પર હુમલો કરવા માટે ઇઝરાયલી સરહદ પાર કરી.અમે ફરીથી મધ્યસ્થીઓને વિનંતી કરીએ છીએ કે તેઓ એ વાત પર ભાર મૂકે કે, હમાસ યુદ્ધવિરામના પોતાના વચનો પૂરા કરે.


