ગુડવીલનો લાભ ખાટવા અક્ષયની ફિલ્મનું નામ બદલીને કેસરી ટૂ
- ફિલ્મની રીલિઝ પણ પાછળ ઠેલાઈ ગઈ
- અનન્યા સાથેની અક્ષયની ફિલ્મ એક એડવોકેટની બાયોપિક, મૂળ કેસરી સાથે કોઈ લેવાદેવા નહિ
મુંબઈ : કરણ જોહરે એડવોકેટ શંકરન નાયરની બાયોપિકનું નામ બદલીને 'કેસરી ટૂ' કરી દીધું છે. વાસ્તવમાં અક્ષય કુમારની મુખ્ય ભૂમિકા ધરાવતી 'કેસરી' ફિલ્મ અગાઉ હિટ થઈ હોવાથી તેની ગુડવીલનો લાભ ખાટવા માટે કરણ જોહરે આ પગલું ભર્યું છે.
અગાઉ 'શંકરા' નામ ધરાવતી આ બાયોપિકને મૂળ 'કેસરી' ફિલ્મની વાર્તા સાથે કોઈ લેવાદેવા નથી. બંને ફિલ્મો વચ્ચે એટલું જ સામ્ય છે કે બંનેમાં અક્ષય કુમાર મુખ્ય હિરો છે.
બોલીવૂડમાં હાલ ફ્રેન્ચાઈઝી ફિલ્મોનો દોર ચાલે છે અને 'દ્રશ્યમ'થી માંડીને 'ભૂલભૂલૈયા' તથા 'સ્ત્રી'ના કેસમાં જોવાયું છે કે મૂળ ફિલ્મની ફ્રેન્ચાઈઝીનો લાભ તેના પછીની ફિલ્મોને પણ મળે છે.
અનન્યા પાંડેની પણ ભૂમિકા ધરાવતી આ ફિલ્મ મૂળ આગામી તા. ૧૪મી માર્ચે રીલિઝ થવાની હતી. પરંતુ, હવે આ રીલિઝ પણ પાછળ ઠેલાઈ ગઈ હોવાનું કહેવાય છે.
આગામી એપ્રિલમાં અક્ષય કુમારની જ 'જોલી એલએલબી થ્રી' રીલિઝ થવાની હોવાથી અક્ષય કુમારની બે ફિલ્મો આગળ પાછળ રીલિઝ ના થાય તે માટે આ ફિલ્મની રીલિઝ ડેટ પાછળ ધકેલવામાં આવી હોવાનું કારણ અપાઈ રહ્યું છે.