Akshaye Khanna Drishyam 3 Controversy: બોલિવૂડની બ્લોકબસ્ટર ફ્રેન્ચાઈઝી 'દ્રશ્યમ'ના ત્રીજા ભાગને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. 'દ્રશ્યમ 3' માં આઈજી તરુણ અહલાવતનું પાત્ર ભજવનાર અક્ષય ખન્ના હવે આ ફિલ્મમાં જોવા મળશે નહીં. આ ઉપરાંત ફિલ્મ પ્રોડ્યુસર કુમાર મંગત પાઠકે અક્ષય ખન્ના સામે ગંભીર આક્ષેપો કર્યા છે અને તેમને કાનૂની નોટિસ પણ ફટકારી છે.
શું છે મુખ્ય વિવાદ?
દૃશ્યમ-3ના પ્રોડ્યુસર કુમાર મંગત પાઠકે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, 'અક્ષય ખન્નાએ શૂટિંગ શરૂ થવાના માત્ર 10 દિવસ પહેલા ફિલ્મ છોડી દીધી હતી. જેના કારણે પ્રોડક્શન હાઉસને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. અક્ષય ખન્ના ફિલ્મમાં વિગ પહેરવા માંગતો હતો. જો કે, ડિરેક્ટર અભિષેક પાઠકે સમજાવ્યું હતું કે આ ફિલ્મ સિક્વલ હોવાથી લુકમાં ફેરફાર ના કરી શકાય કારણ કે, કન્ટિન્યૂટી જળવાશે નહીં. ત્યારે તો અક્ષયે આ વાત માની લીધી, પરંતુ પછી ફરીવાર અચાનક વિગની જીદ કરી હતી.
'સફળતા માથે ચડી ગઈ છે'
અક્ષય ખન્ના અંગે પ્રોડ્યુસર કુમાર મંગત પાઠકે જણાવ્યું કે, 'દ્રશ્યમ 2' અને 'ધુરંધર'ની સફળતા અક્ષય ખન્નાના માથે ચડી ગઈ છે. તેણે પોતાને સુપરસ્ટાર માનવાનું શરૂ કરી દીધું છે. તેની નજીકના લોકો જ તેને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેણે 'સેક્શન 375' વખતે પણ આવું જ વર્તન કર્યું હતું. તેની એનર્જી સેટ પર 'ટોક્સિક' હોય છે. અક્ષયે કરાર કર્યા હોવા છતાં છેલ્લી ઘડીએ પીછેહઠ કરે છે.' એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, અક્ષયે 'દ્રશ્યમ 3' માટે 21 કરોડ રૂપિયાની ફી માંગી હતી. પ્રોડ્યુસરનું કહેવું હતું કે, ફિલ્મ બજેટ કરતાં બહાર જશે. બંને પક્ષો કોઈ કરાર પર પહોંચી શક્યા નહીં, અને અક્ષયે પ્રોજેક્ટ છોડી દીધો હતો.
આ પણ વાંચો: VIDEO: સલમાન ખાનનું ટેલેન્ટ જોઈને યુઝર્સ દંગ રહી ગયા, બર્થડે પહેલા કર્યું લાઈવ પેઈન્ટિંગ
કોણ લેશે અક્ષયની જગ્યા?
નિર્માતાએ પુષ્ટિ કરી છે કે હવે ફિલ્મમાં અક્ષય ખન્નાના સ્થાને પાવરહાઉસ એક્ટર જયદીપ અહલાવતને કાસ્ટ કરવામાં આવ્યા છે. નિર્માતાઓનું માનવું છે કે જયદીપ આ રોલ માટે વધુ યોગ્ય છે અને તે પાત્રને નવો વળાંક આપશે.
ઉલ્લેખનીય છે કે, કુમાર મંગત પાઠકે અક્ષય ખન્નાને લીગલ નોટિસ મોકલી છે અને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે કાનૂની કાર્યવાહી કરવાની તૈયારી કરી છે. અત્યાર સુધી અક્ષય ખન્ના તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
ક્યારે રિલીઝ થશે 'દ્રશ્યમ 3'?
મેકર્સે ફિલ્મ 'દ્રશ્યમ 3'ને ગાંધી જયંતી એટલે કે 2 ઓક્ટોબર 2026ના દિવસે રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે. જો તમે દ્રશ્યમ જોઈ છે તો તમને ખબર હશે કે 2 ઓક્ટોબરના રોજ શું થયું હતું? આ પ્લાન સાથે મેકર્સ આ તારીખ રાખી છે. 'દ્રશ્યમ 3'નું ડાયરેક્શન અભિષેક પાઠકે કર્યું છે.


